સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Saturday 31st July 2021 05:50 EDT
 

આંતરરાષ્ટ્રીય તખતે બનેલી ઘટનાઓ ઉડતી નજરે...

• પુટિને અમેરિકા અને બ્રિટનને યુદ્વની ધમકી આપીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને અમેરિકા અને બ્રિટનને યુદ્વની ધમકી આપી છે. પુટિને કહ્યું હતુ કે, કે રશિયાની સેના યુદ્વ માટે તૈયાર છે. પુટિનનું આ નિવેદન ક્રીમિયાને લઇને અમેરિકા અને બ્રિટન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આવ્યો છે. ખરેખર ૨૦૧૪માં રશિયાને ક્રીમિયાને યુક્રેનથી બળજબરીપૂર્વક છુટું પાડી દીધુ હતું. પણ મોટાભાગની દુનિયા ક્રીમિયાને યુક્રેનનો હિસ્સો માને છે. બીજી તરફ રશિયાએ સૌથી આધુનિક એરડિફેન્સ સિસ્ટમ એસ-૫૦૦નું પરીક્ષણ પણ કર્યું છે.
• NRI યુસુફ યુએઈમાં સર્વોચ્ચ કારોબારી બોર્ડના ઉપાધ્યક્ષ બન્યાંઃ અબુધાબીએ ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને ભારતીય ઉદ્યોગપતિને યુસુફ અલીને સરકારના સર્વોચ્ચ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે. આ સંગઠન યુએઇના તમામ કારોબારનું નિરીક્ષણ કરે છે. ૨૯ સભ્યોના આ બોર્ડમાં સામેલ થનારા તે એકમાત્ર ભારતીય છે. ૬૫ વર્ષીય યુસુફ અલી અબુધાબીમાં આવેલ લુલુગ્રુપના અધ્યક્ષ છે. તે કેરળના ત્રિશુર જિલ્લાના નાટ્ટિકાના વતની છે.
• તાલિબાનના કબજાવાળા સ્પિન બોલ્ડકમાં પાક. સૈન્ય પ્રવેશ્યુંઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હુમલા વધી રહ્યા છે તેવા સમયમાં પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. પાકિસ્તાન અત્યાર સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે સહયોગી દેશ બની અફઘાનિસ્તાનમાં શાંતિના પ્રયાસોનું નાટક કરી રહ્યું હતું. પરંતુ હવે તે તાલિબાનો સાથે મળીને અફઘાનિસ્તાનના સૈન્ય સામે લડી રહ્યું છે.
• અફઘાનિસ્તાનની સ્થિતિ ખતરનાકઃ અફઘાનિસ્તાનમાં આવેલા ભારીતય દૂતાવાસે ભારતીય નાગરીકોને સુરક્ષા સંબંધી ચેતવણી આપી છે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં કામ કરતી વખતે હંમેશાં સાવધાની રાખે. દેશની સ્થિતિ ખૂબ જ ખતરનાક હોવાથી ભારતીય નાગરકોને બિનજરૂરી પ્રવાસ કરવા સામે પણ ચેતવણી આપી છે. અફઘાનિસ્તાનના સંખ્યાબંધ પ્રાંતમાં સુરક્ષા સ્થિતિ ખતરનાક છે. નાગરિકો પર પણ હુમલા થઈ રહ્યા છે.
• અફઘાનિસ્તાનના ૧૦૦થી વધુ નાગરિકોની કત્લેઆમઃ અફઘાનિસ્તાનના કંદહારમાં કેટલાક વિસ્તારો પર વ્યૂહાત્મક કબજો જમાવનાર તાલિબાનો દ્વારા ૧૦૦થી વધુ નિર્દોષ નાગરિકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અફઘાન સરકારે આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનના ઈશારે તાલિબાનો દ્વારા સ્પિન બોલ્ડાક જિલ્લામાં કબજો જમાવનાર તાલિબાનો દ્વારા આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો.
• કાળઝાળ ગરમીથી બચાવા UAEમાં ડ્રોનની મદદથી કૃત્રિમ વર્ષાઃ સંયુક્ત આરબ અમિરાતે ૫૦ ડિગ્રી તાપમાનથી રાહત મેળવવા આકાશમાં ડ્રોનની મદદથી ઇલેક્ટ્રીક ચાર્જની સ્થિતિ સર્જીને કૃત્રિમ વર્ષા કરાવી છે. ડ્રોની મદદથી વાદળોને ઈલેક્ટ્રિક શોક આપીને સમગ્ર દેશમાં ચોમાસ જેવો વરસાદ વરસાવ્યો છે.
• ચીનમાં છેલ્લા એક હજાર વર્ષનો સૌથી વધુ વરસાદઃ મધ્ય ચીનમાં આવેલા હેનાન પ્રોવિન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં ૧૨ સબવે પેસેન્જર સહિત ઓછામાં ઓછા ૨૫નાં મોત થયાં હતાં અને સાત જણ હજુ લાપતા છે. છેલ્લા ૧૦૦૦ વર્ષના સૌથી વધુ વરસાદના કારણે ૧૨.૪ લાખ લોકો અસરગ્રસ્ત થયાં હતાં અને ૧,૬૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
• POKના કાશ્મીરીઓને સ્વતંત્રતાનો નિર્ણય કરવાનો અધિકાર આપીશું ઃ પાકિસ્તાનની કાશ્મીર નીતિ પર ગુલાંટ મારતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદ કાશ્મીરના લોકોને પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર થવું તેનો નિર્ણય કરવાનો અધિકાર આપીશું. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૫મી જૂલાઈએ યોજાનારી ચૂંટણીના એક દિવસ પહેલાં તરાર ખાલ વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધન કરતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, તેમની સરકાર કાશ્મીરને પોતાનો એક પ્રાંત ઘોષિત કરવાની યોજના પર કામ કરી રહી છે તેવા વિપક્ષના એક અગ્રણી નેતાના દાવા ખોટા છે. પીઓકેમાં ૧૮મી જુલાઈએ ચૂંટણી સભાને સંબોધન કરતાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા મરિયમ નવાઝે જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની સરકારે કાશ્મીરનો દરજ્જો બદલીને તેને પાકિસ્તાનનો જ એક પ્રાંત જાહેર કરવાનો નિર્ણય લઈ લીધો છે.
• ચીનના અબજોપતિ લેરી ચેનને ૧૫ બિલિયન ડોલરનું નુકશાનઃ ખાનગી શિક્ષણ ક્ષેત્ર પર ચીનની સખ્તાઈને કારણે વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ થઇ ચૂકેલ લેરી ચેન હવે અબજોપતિ નથી રહ્યા. Gaotu Techeduના ફાઉન્ડર અને ચેરમેન, ચેનની નેટવર્થ હવે ૩૩.૬ કરોડ ડોલરની રહી ગઈ છે. ચીનમાં નવા નિયમો લાગુ થયાના અહેવાલ બાદ ન્યુયોર્ક સ્ટોક એક્ચેન્જ પર તેમની કંપનીના શેરની વેલ્યુ આશરે બે તૃતિયાંશ જેટલી ઘટી ગઈ હતી. ગત અઠવાડિયે ચીને નવા નીતિ-નિયમો જારી કર્યા હતા જેમાં ઓનલાઇન સ્ટડી મારફતે નફો રળનારી કંપનીઓને ફંડ એકત્ર કરવા અથવા પબ્લિક ઓફર લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચેન માટે આ એક ઝટકા સમાન છે. આ અગાઉ જાન્યુઆરી પછી તેમની કંપનીના શેરમાં ઘટાડાને કારણે તેમને ૧૫ અબજ ડોલરથી વધુનું નુકશાન થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter