• ઇરાનની જનતાએ ઇતિહાસ રચ્યો છે. શનિવારે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામમાં સુધારાવાદી નેતા મસૂદ પજશકિયાને કટ્ટરપંથી સઇદ જલીલીને હરાવ્યા છે. વ્યવસાયે ડોક્ટર મસૂદનું ‘નવા ઇરાન’નું સૂત્ર લોકોના હૃદયમાં ઉતરી ગયું છે. તેમણે હિજાબની અનિવાર્યતાથી મુક્તિનો વાયદો કર્યો છે. આ વાયદો અસરકારક રહ્યો છે.
• સંદેશખાલી કેસમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આ કેસની સીબીઆઈ તપાસ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ અટકાવવાનું કોઈ કારણ નથી.
• ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને પગલે ચારધામ યાત્રા અટકાવી દેવાઇ છે. બદરીનાથ-વિષ્ણુપ્રયાગ નેશનલ હાઇવે નજીક ભૂસ્ખલનને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. અલકનંદા નદી ભયજનક સપાટીએ વહે છે.
• મુંબઈના વરલીમાં પૂરઝડપે આવી રહેલી BMW કારે બાઈક સવાર દંપતીને ટક્કર મારતાં મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે તેનો પતિ ઘાયલ થયો છે. પોલીસે આ ઘટનામાં કારચાલક મિહિર શાહની ધરપકડ કરી છે. મિહિર શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર છે.
• ઝારખંડમાં હેમંત સોરેન સરકારે સોમવારે બહુમતી પુરવાર કરી લીધી છે. ગૃહમાં ઉપસ્થિત 76 સભ્યમાંથી 45એ સરકારના પક્ષમાં મતદાન કર્યું હતું. ભાજપ અને આજસુએ મતદાન પહેલાં વોકઆઉટ કર્યો હતો.
• ગાઝામાં સક્રિય હમાસે નવ મહિના સુધી ચાલેલા યુદ્ધમાં ઈઝરાયલના બંધકોની મુક્તિના મુદ્દે વાતચીત માટે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. હમાસે તેની માગ પડતી મૂકી છે કે ઇઝરાયલ પહેલા કાયમી યુદ્ધવિરામ સ્થાપિત કરે. જોકે તેની તમામ શરતો હજુ જાહેર કરવામાં આવી નથી.
• ભારતના વિદેશ મંત્રી જયશંકરે એસસીઓ બેઠક સમયે ચીનના વિદેશ મંત્રીને એલએસીનું સન્માન કરવાની સલાહ આપવા છતાં ડ્રેગને સરહદે કાવતરાં ઘડવાનું ચાલુ જ રાખ્યું છે. ચીનનું સૈન્ય પૂર્વી લદ્દાખમાં પેંગોંગ સરોવર પાસેના વિસ્તારમાં લાંબા સમયથી બન્કરો બનાવવા માટે ખોદકામ કરી રહ્યું છે, જેનો ઘટસ્ફોટ સેટેલાઈટ તસવીરોએ કર્યો છે.