• વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક યોજાઈ હતી. આ બેઠક વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે બ્લૂ પ્રિન્ટ બનાવવા માટે યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જીના વોકઆઉટને કારણે રાજકીય વિવાદમાં આવ્યા હતા.
• નવી દિલ્હીનાં રાવ કોચિંગ સેન્ટરનાં બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ જવાથી રવિવારે 3 વિદ્યાર્થીઓનાં મોત થયા પછી સરકાર એક્શનમાં આવી છે. ઓલ્ડ રાજિન્દર નગરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે. સ્થળ પર સ્થાનિક અધિકારીઓ અને પોલીસનો ખડકલો કરાયો છે. જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.
• લિકર પોલિસી કેસમાં સીબીઆઇએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ રાઉજ એવન્યૂ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે. આ કેસમાં કોર્ટે 25 જુલાઈના રોજ મુખ્યપ્રધાન કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની મુદતમાં વધારો કર્યો હતો. આ કેસમાં હવે આઠ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઈએ તિહાડ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી હતી.
• ટોક્યોમાં યોજાયેલી ‘ક્વાડ’ની બેઠકમાં ચીનને દરેક રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને સરહદોનું સન્માન કરવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. ભારત સહિતના ‘ક્વાડ’ દેશોએ સોમવારે મુક્ત અને સ્વતંત્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે આ વિસ્તારમાં બધાં દેશોને તમામ પ્રકારની બળજબરીમાંથી મુક્ત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. ક્વાડ દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
• વડાપ્રધાન મોદીની ત્રણ સપ્તાહ પહેલાની રશિયા મુલાકાત પછી ભારત-યુએસ સંબંધોમાં ખટાશ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે ટોકિયોમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે વિવિધ મુદ્દા પર મંત્રણા કરી હતી. હાલમાં જયશંકર અને બ્લિંકન બંને ચાર દેશોના ગ્રુપ ક્વાડની વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા ટોક્યો ગયા હતા.
• દિલ્હીની એક અદાલતે સોમવારે નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકર વિરુદ્ધમાં થયેલા બદનક્ષી કેસમાં પાટકરને થયેલી પાંચ વર્ષની જેલની સજા રદ કરી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સકસેના 23 વર્ષ પહેલાં ગુજરાતમાં એનજીઓ સંભાળી રહ્યા હતા ત્યારે તેમણે મેધા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.
• નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મોદીને અપીલ કરી છે કે તેઓ 18 ઓગસ્ટ સુધીમાં જાપાનના રેન્કોજીથી નેતાજીના પાર્થિવ અવશેષો પરત લાવે. તેમણે કહ્યું છે કે નેતાજીના મૃત્યુ પર નિવેદનો બંધ કરવા જોઈએ.
• રશિયાની સેનામાં કામ કરતા 10 ભારતીય નાગરિકો ટૂંક સમયમાં ભારત પરત ફરશે. આ માહિતી સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદી સરકારે આપી હતી. સરકારે કહ્યું હતું કે રશિયન સેનામાં ફરજ બજાવતા 10 ભારતીયોએ રશિયાએ છોડી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રશિયાની મુલાકાત દરમિયાન રશિયન પુટિન સાથે ભારતીયોની વહેલા મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો.
• પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદરમાં એક લાખથી વધુ લોકો ધરણા પર છે. આ તમામ પાકિસ્તાન સરકાર અને સેનાના અત્યાચારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બલોચ પોતાની જ ભૂમિમાં શરણાર્થી બની રહ્યા છે. દરમિયાન પાક સેનાએ દેખાવકારો પર હુમલો કર્યો હતો જેમાં ત્રણના મોત થયા હતા.
• લોકસભામાં કેન્દ્ર સરકારે જાણકારી આપી કે, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં 633 ભારતીય છાત્રોએ વિવિધ કારણોથી જીવ ગુમાવ્યો જેમાં પ્રાકૃતિક કારણોનો પણ સમાવેશ થાય છે. સરકારી આંકડાઓ અનુસાર સૌથી વધુ 172 કેસ કેનેડામાં સામે આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, આ અવધિમાં હુમલાઓના કારણે કુલ 19 ભારતીય છાત્રોના મોત થયા, જેમાં સૌથી વધુ 9 મોત કેનેડામાં અને 6 અમેરિકામાં થયા. 633 ઘટનાઓ પૈકી 108 અમેરિકામાં, 58 બ્રિટનમાં, 57 ઓસ્ટ્રેલિયામાં મોત થયા છે.
• મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના સોનુરલીમાં આવેલા ગીચ જંગલોમાં એક વૃક્ષ સાથે બાંધેલી 50 વર્ષીય યુએસ પાસપોર્ટધારક મહિલાને પોલીસે બચાવી લીધી છે. આ મહિલાને ગોવા મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું કે, જયારે અમે મહિલાને શોધી તો એ ખૂબ ડિહાઈડ્રેટેડ હતી. એવું લાગી રહ્યું હતું કે કદાચ એ ત્યાં ઓછામાં ઓછા 48 કલાકથી ફસાયેલી હતી.