• શ્રીલંકામાં કટોકટી કાળ વધ્યો: શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ ૨૨મીએ દેશમાં લાગુ કટોકટીનો કાળ વધારી દીધો છે. શ્રીલંકામાં આ વર્ષે એપ્રિલમાં ઇસ્ટરના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટો પછી સુરક્ષા કારણસર કટોકટી જાહેર કરાઈ હતી. કટોકટી હેઠળ સમગ્ર દેશમાં એરપોર્ટ, પ્રાર્થના સ્થળો અને સ્કૂલ-કોલેજમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. આ વિસ્ફોટોમાં ૨૫૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અનેક ઘાયલ થયા હતા. સિરિસેનાએ કહ્યું હતું કે મારા માનવા પ્રમાણે દેશમાં સાર્વજનિક કટોકટી હતી અને તે વધારવાનો હેતુ સાર્વજનિક સુરક્ષા અધિનિયમના નિયમો લાગુ કરવાનો છે.
• ચીનની પાંચ કમ્પ્યુટર કંપનીઓ અમેરિકાના બ્લેક લિસ્ટમાંઃ ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૨મીએ ચીનની પાંચ સુપર કમ્પ્યુટર કંપનીઓને અમેરિકાએ બ્લેક લિસ્ટમાં મૂકી હતી. અમેરિકાના આ પગલાથી આગામી સપ્તાહે જાપાનાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની નિર્ધારિત મંત્રણામાં મુશ્કેલી સર્જાવાની શક્યતા છે. આ કંપનીઓમાં ચીનની અગ્રણી સુપર કમ્પ્યુટર ઉત્પાદન કંપની સુગોન અને તેની ત્રણ સસ્બિડીયરી હીગોન, યેંગડુ હેગુઆંગ ઇન્ટરીગ્રેટેડ સર્કિટ અને ચેંગડું હેઉઆંગ માઈક્રોઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે.
• ઇથિયોપિયામાં સત્તાપલટાના પ્રયાસમાં સેનાના વડાની હત્યા: ઇથિયોપિયાની રાજધાની અદિસ અબાબામાં સેના વડાના બોડીગાર્ડે જ તેમની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વડા પ્રધાન એ. બી. અહેમદે કહ્યું હતું કે, ઇથિયોપિયાના ઉત્તરી અમહારા વિસ્તારમાં ૨૨મીએ તખ્તાપલટ રોકવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા ત્યારે જનરલ સિયરે મેકોનેન પર ગોળીબાર કરાયો હતો. જેમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે.