• ઇજિપ્તનાં બે ચર્ચમાં આત્મઘાતી વિસ્ફોટમાં ૩૬નાં મૃત્યુઃ ઈજિપ્તના પાટનગર કેરોના ઉત્તરે આવેલા બે કોપ્ટિક ચર્ચમાં રવિવારે પામ સન્ડેની પ્રેયર ચાલી રહી હતી ત્યારે જ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૩૬ લોકો માર્યા ગયા હતા અને ૧૪૦ લોકોને ઇજા પહોંચી હતી. નાઇલ ડેલ્ટાના તન્તા અને એલેક્ઝાન્ડ્રિયામાં એમ બે ચર્ચમાં વિસ્ફોટ થયા હતા. ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. કેરોથી ૧૨૦ કિ.મી.ના અંતરે આવેલા તન્તામાં સેન્ટ જ્યોર્જ ચર્ચમાં થયેલા પ્રથમ વિસ્ફોટમાં ૨૫ લોકો માર્યા ગયા હતા તો ૭૧ને ઇજા પહોંચી હતી.બ્લાસ્ટ બાદ ઇજિપ્તે ત્રણ મહિના માટે કટોકટી લાદી હતી.
• ઈઝરાયેલ ભારત વચ્ચે બે અબજ ડોલરનો સંરક્ષણ કરારઃ ઈઝરાયેલે ભારત સાથે બે અબજ ડોલરનો સંરક્ષણ સોદો સાતમીએ મંજૂર કર્યો છે. ઈઝરાયેલના પ્રમુખ રૂવેન રિવલિને ગયા વર્ષે ભારતની મુલાકાત લીધી ત્યારે તેમણે આ મહત્ત્વના સંરક્ષણ સોદાને પ્રાથમિક મંજૂરી આપી હતી અને ભારત સરકાર સાથે કરારો કર્યા હતા. એ પ્રાથમિક કરારોને આખરે ઈઝરાયેલની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.
• સ્ટોકહોમનાં ત્રાસવાદી હુમલામાં પાંચનાં મૃત્યુ અને બેની ધરપકડઃ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કેટલાક બુકાનીધારીઓએ ટ્રકને શેરીઓમાં પૂરઝડપે ભગાવીને લોકોને કચડવા માટે પ્રયાસ કર્યો હતો. એ પછી આતંકીઓએ ગોળીબાર અને ખંજરબાજી શરૂ કરી હતી. આ ઘટનામાં પાંચ લોકોનો જીવ ગયો હતો. આ ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં પોલીસે બે શંકાસ્પદ હુમલાખોરોને ઝડપી લીધા છે. માર્કેટમાં આ ઘટના પછી સ્ટોકહોમ સેન્ટ્રલ રેલવે સ્ટેશને સશસ્ત્ર લોકોએ દોડી જઈને ગોળીબાર ખંજરબાજી શરૂ કરી હતી સ્ટેશન પર બે લોકો ઘાયલ થયા હતા.