• અમદાવાદમાં જન્મેલાં ઉશીર પંડિત અમેરિકામાં સુપ્રીમનાં જજઃ ન્યૂ યોર્કમાં સુપ્રીમ કોર્ટના ૧૧મા જ્યુડિશિયલ ડિસ્ટ્રીક્ટમાં જજ તરીકે ઉશીર પંડિત ડુરાન્ટની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. અમેરિકાની આ ડિસ્ટ્રીક્ટની સુપ્રીમ કોર્ટમાં ચૂંટાનારાં તેઓ પહેલાં ગુજરાતી, ભારતીય અને એશિયાઈ બન્યા છે. ડિસેમ્બર, ૨૦૧૮માં તેમણે પદ ગ્રહણ કર્યું છે.
• ભારતીય અમેરિકન રાજ શાહનું ટ્રમ્પની ઓફિસમાંથી રાજીનામું: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ ઓફિસના પ્રવક્તા ભારતીય અમેરિકન રાજ શાહે રાજીનામું આપી દીધું છે. વ્હાઇટ હાઉસના ઉપપ્રવક્તા અને રિપબ્લિકન રાષ્ટ્રીય સમિતિમાં ભૂતપૂર્વ સંશોધક રહેલા ૩૪ વર્ષીય શાહ પ્રમુખ ટ્રમ્પના જાન્યુઆરી ૨૦૧૭માં પદ સંભાળ્યા બાદથી તેમના વહીવટીતંત્રનો ભાગ હતા. શાહે કમ્યુનિકેશન્સ એન્ડ લોબિંગ કંપની સાથે જોડાવા માટે ટ્રમ્પ તંત્રમાંથી રાજીનામું આપી દીધું છે. શાહ ગુજરાતી પરિવારમાંથી છે. તેમના માતા-પિતા ૧૯૭૦માં શિકાગો શિફ્ટ થયાં હતાં.
• કાંગોમાં શીસેકેદી રાષ્ટ્રપતિ: કાંગોમાં વિપક્ષના નેતા ફેલિક્સ શીસેકેદીએ રાષ્ટ્રપતિ ચૂંટણી દસમીએ જીતી લીધી હતી. વર્ષ ૧૯૬૦માં સ્વતંત્રતા બાદ પહેલીવાર થયું છે જ્યારે અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન હિંસા થઈ ન હતી. શીસેકેદીને ૭૦ લાખ એટલે કે ૩૮ ટકા વોટ મળ્યા હતા. ચૂંટણીપંચે આ અંગે જાહેરાત કરી હતી. શીસેકેદી પૂર્વ પ્રમુખ એટીનેના દીકરા છે. હાલ કાંગોમાં રાષ્ટ્રપતિ જોસેફ કબીલાની સરકાર છે
• ઇન્દ્રા નૂયી વર્લ્ડ બેન્કનાં ૧૩મા પ્રમુખ બની શકે!: પેપ્સીકોનાં પૂર્વ સીઈઓ ભારતીય ઇન્દ્રા નૂયી વર્લ્ડ બેન્કના ૧૩મા પ્રમુખ બની શકે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ વ્હાઈટ હાઉસમાં પણ તેના નામની ચર્ચા ચાલી રહી છે. નૂયી પ્રમુખ ટ્રમ્પની પુત્રી અને વ્હાઈટ હાઉસની સલાહકાર ઈવાન્કા ટ્રમ્પની નજીક મનાય છે. ઇવાન્કાએ તેને પોતાની મેન્ટર પણ ગણાવી છે.
• અમેરિકી સાંસદ તુલસી ગેબાર્ડ પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવશે: અમેરિકાનાં પહેલા હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડે ૨૦૨૦માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. તુલસી પ્રમુખપદની ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી શકે, પરંતુ તુલસીએ ડેમોક્રેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બનવા માટે પ્રાઇમરીમાં જીત મેળવવી પડશે તો જ તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે ચૂંટણી લડી શકશે. જો તુલસી ટ્રમ્પની સામે પ્રમુખપદની ચૂંટણી જીત્યાં તો તેઓ અમેરિકાના સૌથી યુવાન અને પહેલા મહિલા પ્રમુખ હશે.