• બિહારમાં ૩ દિવસમાં ગરમીથી ૧૮૩નાં મોતઃ બિહારમાં ભારે ગરમી ને લૂથી ૧૫મી જૂનથી ત્રણ દિવસમાં ૧૮૩ લોકોનાં મૃત્યુ થયાં છે. ૧૫મીએ (શનિવારે) ૬૬ અને રવિવારે ૭૭ લોકોનાં મૃત્યુ થયા બાદ સોમવારે પણ નવાદા જિલ્લામાં વધારે પાંચ લોકોનાં મૃત્યુ થયા હતા. રંગાબાદમાં ૬૩, ગયામાં ૩૪, નવાદામાં ૨૫, પટનામાં ૧૪, બક્સરમાં ૭ અને આરામાં પાંચ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજમાં સોમવારે પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં.
• કટ્ટરપંથી ફેઝ હમીદ આઈએસઆઈના ચીફઃ પાકિસ્તાને તેની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર જનરલ પદે કટ્ટરપંથી સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ જનરલ ફેઝ અહમદ હમીદની તાજેતરમાં નિમણૂક કરી હતી.
• સારા નેતન્યાહૂ પબ્લિક ફંડ દુરુપયોગમાં દોષીઃ ઇઝરાયેલના વડા પ્રદાન બેન્જામિન નેતન્યાહૂનાં પત્ની સારા નેતન્યાહૂને પબ્લિક ફંડના દુરુપયોગ મામલે ૧૬મી જૂને દોષિત જાહેર કરાયાં છે. કોર્ટે સારાને પંદર હજાર ડોલ્ફરનો દંડ ફટકાર્યો છે.
• હોંગકોંગમાં પ્રત્યાર્પણ ખરડો મોકૂફઃ હોંગકોંગમાંથી ચીનમાં પ્રત્યાર્પણને મંજૂરી આપનારા સૂચિત કાયદા સામે થઈ રહેલા ભારે વિરોધ અને બહિષ્કાર વચ્ચે હોંગકોંગની સરકારે ૧૫મીએ ખરડાને મોકૂફ રાખવા નિર્ણય લીધો હતો. આ સૂચિત ખરડો કેટલાક શંકાસ્પદ લોકો સામે ચીનમાં ખટલો ચાલી શકે તે હેતુસર તેમના ચીનમાં પ્રત્યાર્પણ માટે મંજૂરી આપવા માટે હતો.
• પૂર્વીય કોંગોમાં ભારે હિંસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સંઘર્ષગ્રસ્ત પૂર્વીય ઇતુરી પ્રાંતમાં હિંસા ફાટી નીકળતાં ઓછામાં ઓછા ૭૦ લોકોના મોત થયા હોવાનું રાજ્યપાલ જિન બમનિસા સૈદીએ જણાવ્યું હતું.
• નાઇજીરિયામાં સશસ્ત્ર લૂંટારુઓ ત્રાટક્યાઃ નાઇજિરિયાના આંતરિયાળ વિસ્તારમાં સશસ્ત્ર લૂંટારુઓ ત્રાટક્યા અને ફાયરિંગ કરી ૪૦ ગ્રામજનોની હત્યા કરી હતી અને એક ડઝન લોકોને ઘાયલ કર્યા હતા. શિરોરો ગામમાં બાઇક પર સવાર થઇને આવેલા બંદુકધારીઓ ખેતરો અને પશુઓના ઢોરવાડામાં ઘૂસી ગયા હતા.
• જેટને એનસીએલટીમાં લઇ જવાની તજવીજઃ એરલાઇન માટે કોઇ નક્કર દરખાસ્ત નહીં મળી હોવાથી જેટ એરવેઝને એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ)માં લઇ જવાનો નિર્ણય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના લેન્ડર્સે સોમવારે કર્યો હતો.
• જે. પી. નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષઃ ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરાયા છે. સોમવારે સાંજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નડ્ડાને પક્ષનાં કાર્યકારી પ્રમુખ બનાવા સર્વસંમતિ સધાઈ હતી. અલબત્ત, ૪ રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આગામી ૬ મહિના સુધી અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પદે ચાલુ રહેશે.
• ‘હું ભાગેડુ નથી એન્ટિગુઆમાં છું’ઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને ભારતથી ફરાર થયેલા જ્વેલર મેહુલ ચોકસીએ સોમવારે મુંબઈ હાઇ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે હું ભારતથી ભાગી ગયો નથી, હું હાલમાં એન્ટિગુઆમાં રહું છું અને મારી ઉપર ઉપચાર ચાલી રહ્યો હોવાથી હું ભારત આવી શકું તેમ નથી.
• પૂર્વ સાવચેતીથી પુલવામા-૨ ટળ્યુંઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકીઓએ આઇડીડી બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. આ વખતે પણ આતંકીઓ કારબોમ્બનો નિષ્ફળ ઉપયોગ કર્યો હતો.
• બિરલા સૂર્યા લિમિ.ના યશોવર્ધન નાદારઃ યુકો બેંકે બિરલા સૂર્યા લિમિટેડના નિર્દેશક યશોવર્ધન બિરલા વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની ૬૭.૬૫ કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા તેમને ડિફોલ્ટર જાહેર કરાયા છે.
• પ. બંગાળમાં તબીબોની હડતાળ સમાપ્તઃ એનઆરએસ મેડિકલ કોલેજમાં ડોક્ટરોની સાથે દર્દીઓ દ્વારા મારપીટની ઘટના બાદ અન્ય ડોક્ટરોમાં રોષ વધી ગયો હતો અને હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ બિનશરતી માગો સ્વીકારતાં તબીબોની હડતાળ ૧૭મીએ પાછી ખેંચાઈ હતી.
• મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણઃ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલું રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ રવિવારે આખરે પાર પડયું હતું. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસની નેતૃત્વ હેઠળની સરકારમાં ૧૩ નવા ચહેરાની વરણી થઈ છે.
• ઇસ્લામિક બેંકના નામે ફુલેકું: બેંગલુરુમાં ઇસ્લામિક બેંકના નામે ૩૦,૦૦૦ મુસ્લિમોને રૂ. ૧,૫૦૦ કરોડનો ચૂનો લગાવીને મોહમ્મદ મન્સૂરખાન નામનો ફુલેકાબાજ ભારત છોડી દુબઈ ફરાર થઈ ગયો હતો. તેણે અત્યંત ચાલાકીથી મુસ્લિમોને નિશાન બનાવ્યા અને ઊંચા રિટર્નની લાલચો આપી હતી. ઇસ્લામમાં વ્યાજ હરામ ગણાય છે તેથી તેણે રોકાણકારોને વ્યાજ નહીં પરંતુ બિઝનેસ પાર્ટનર ગણાવ્યા અને રોકાણ પર મળનારી રકમને રિટર્નનું નામ આપ્યું હતું.