• હૈદરાબાદની ‘મુન્ની’ વર્જિનિયાનાં સેનેટર: અમેરિકામાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં પણ ભારતીય અમેરિકનોએ દબદબો જાળવી રાખ્યો છે. વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી નીતિના એક પૂર્વ સલાહકાર અને એક મુસ્લિમ મહિલા સહિત ૪ ભારતીય અમેરિકનોની રાજ્ય અને સ્થાનિક ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. ભારતવંશી ગઝાલા હાશમીએ વર્જિનિયા રાજ્યની સેનેટમાં ચૂંટાનારાં પહેલાં મુસ્લિમ મહિલા બનીને ઇતિહાસ રચી દીધો છે. ગઝાલા હાશમી કમ્યુનિટી કોલેજના પ્રાધ્યાપક રહી ચૂક્યાં છે. તેઓ મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને સ્કૂલમાં તેમનું હુલામણું નામ મુન્ની હતું. પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં ટેક્નોલોજી નીતિ સલાહકાર રહી ચૂકેલા સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયા રાજ્યની પ્રતિનિધિસભામાં ચૂંટાયા છે. કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકન માનો રાજુએ સાન ફ્રાંસિસ્કોના પબ્લિક ડિફેન્ડરના હોદ્દા પર ફરી વાર ચૂંટાયા છે. નોર્થ કેરોલિનામાં ડિમ્પલ અજમેરા પણ શાલાર્ટ સિટી કાઉન્સિલમાં ફરી ચૂંટાયાં છે.
• પાકિસ્તાનમાં હિંદુ વિદ્યાર્થીની દુષ્કર્મ બાદ હત્યાઃ પાકિસ્તાનમાં હિંદુ સમયુદાયની મેડિકલ વિદ્યાર્થિની નમ્રતા ચંદાણીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા પહેલાં નમ્રતા સાથે દુષ્કર્મ થયું હતું. નમ્રતાની લાશ ૧૬ સપ્ટેમ્બરની સવારે તેની હોસ્ટેલના રૂમમાંથી મળી હતી. નમ્રતાનો છેલ્લો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાતમીએ ચાંદકા મેડિકલ હોસ્પિટલે બહાર પાડ્યો હતો. નમ્રતાની હત્યા પહેલા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
• પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષનનું અવસાનઃ પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું ૧૧મી નવેમ્બરે ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે ચેન્નાઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના ૧૦માં મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષન ચૂંટણીઓની પ્રકિયામાં સુધારા માટે બહુ જ જાણીતા હતા. તેમના સમયગાળામાં અનેક એવા સુધારા કર્યા જે આજે પણ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે.
• લતા મંગેશકરની તબિયતમાં સુધારોઃ શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં ભરતી થયેલાં સુરસમ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયતમાં સારવાર પછી સુધારો જોવા મળ્યો હતો. તેઓને ૧૧મીએ હોસ્પિટલમાંથી પાછા ઘેર લઈ જવાયાં હતા. સોમવારે તેમને ફેફસાનો ચેપ લાગતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
• ‘બુલબુલ’ વાવાઝોડું પ. બંગાળના કાંઠેઃ બુલબુલ વાવાઝોડું ૧૧મી નવેમ્બરે પ. બંગાળના કાંઠે ટકરાયું હતું. આ વાવાઝોડાના કારણે ૧૦ લોકોનાં મોત થયાં હતાં અને ૨.૭૩ લાખ પરિવારો વાવાઝોડાથી અસરગ્રસ્ત બન્યા હતા. વાવાઝોડાનાં કારણે પ. બંગાળ અને આજુબાજુના જિલ્લામાં ભારે વરસાદ થયો હતો.
• લેખક – પત્રકાર આતિશ તાસીરની ભારતીય નાગરિકતા રદ્દઃ ભારતીય ગૃહ મંત્રાલયે મહત્ત્વની વિગતો છુપાવવાના આરોપમાં લેખક અને પત્રકાર આતિશ તાસીર (ઉં ૩૮)નું ઓસીઆઇ (ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા) સ્ટેટસ સમાપ્ત કર્યું છે. બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ અલી તાસીરે તેના પિતા પાકિસ્તાની મૂળના હોવાની વિગતો સરકારથી ગુપ્ત રાખી હતી. ગૃહ મંત્રાલય પ્રવક્તાએ જણાવ્યું કે, નાગરિકતા અધિનિયમ ૧૯૯૫ના અનુસાર તાસીર ઓસીઆઇ કાર્ડ માટે અયોગ્ય છે. જે વ્યકિતના માતા-પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય તેમને ઓસીઆઇ કાર્ડ ન મળી શકે.