દુબઇઃ કાયદાઓ બાબતે અત્યંત કડક ગણાતા અખાતી દેશ સંયુક્ત આરબ અમિરાતે સાતમી નવેમ્બરે દેશના ઇસ્લામિક કાયદામાં મોટા પાયે છૂટછાટ આપવાની જાહેરાત કરી દીધી હતી. ઇસ્લામિક કાયદામાં છૂટછાટ આપતાં યુએઇ દ્વારા લગ્ન કર્યા વિના યુગલને સાથે રહેવાની તેમજ શરાબ પરના પ્રતિબંધોને હળવા કરવાની જાહેરાત કરી હતી.
ઓનર કિલિંગ જેવી ઘટનાને પણ અપરાધની શ્રેણીમાં મૂકવાની જાહેરાત આ સમયે કરવામાં આવી હતી. વ્યક્તિગત સ્વતંત્રતા માટે છૂટછાટ આપતાં આ નિર્ણયો યુએઇના બદલાઇ રહેલા ચહેરાનું પ્રતિબિંબ છે. પશ્ચિમના પર્યટકો, બિઝનેસમેનને આકર્ષવા યુએઇ દ્વારા તાજેતરમાં ત્વરિત નિર્ણયો લેવાઇ રહ્યા છે. ઘરઆંગણે બદલાઇ રહેલા સમાજના સ્વરૂપ જોતાં અમિરાતના શાસકો ઇસ્લામિક કાયદામાં આ છૂટછાટો આપી રહ્યા છે. લગ્ન વિના હવે યુગલ સાથે રહી શકશે. યુગલ લગ્ન વિના સાથે રહે તો આ કૃત્ય યુએઇમાં અપરાધ માનવામાં આવતું હતું, પરંતુ આ સંબંધી નિયમોમાં સુધારા થયા છે.
બિઝનેસ હબ દુબઇમાં આવા વિદેશી યુગલને જોતાં નાક ફુલાવવામાં આવતું હતું, પરંતુ હવે આ પ્રકારના યુગલને છૂટછાટ તો આપવામાં આવી છે, પરંતુ હજી સજાની તલવાર તો લટકે જ છે.
ઓનર ક્રાઇમને કાયદો રક્ષણ નહીં આપે
પરિવારની મહિલા જો કુટુંબની ઇજ્જતને બટ્ટો પહોંચાડતી માલૂમ પડે અને કુટુંબના પુરુષ સભ્ય તે મહિલાને માર મારે તો તે પુરુષ કાનૂની કાર્યવાહીથી બચી શકતો હતો. નવા નિયમ મુજબ હવે મહિલાને જો રિવાજો ના પાળવા બદલ માર મારવામાં આવે તો બાકી અપરાધો જેવી જ કાનૂની કાર્યવાહી અત્યાચારી પર થશે.