વોશિંગ્ટનઃ અમેરિકી સંસદના સેનેટરો દ્વારા ૧૧મી એપ્રિલે સતત બીજા દિવસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પૂછપરછ કરાઈ હતી. ૧૧મી એપ્રિલે પૂછપરછમાં માર્કે સ્વીકાર્યું હતું કે કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકમાંથી જે ડેટાની ચોરી કરી તેમાં મારી અંગત માહિતીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ખુદ ફેસબુકના સીઈઓની જ વિગતો ફેસબુકમાં સલામત રહેતી ન હોય ત્યારે બીજા યુઝર્સની માહિતી કઈ રીતે ગુપ્ત રહી શકે એ સવાલ ફરીથી ઉદ્ભવ્યો હતો.
ફેસબુકમાંથી પોણા નવ કરોડ વપરાશકર્તાની ખાનગી વિગતો કેમ્બ્રિજ એનાલિટિકા નામની બ્રિટિશ કંપનીએ ચોરી લીધી હતી. એ માહિતી માર્ચ મહિનામાં બહાર આવી ત્યારથી ફેસબુકની માઠી દશા બેઠી છે. આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરવા અને અમેરિકી નાગરિકોની માહિતી ફેસબુક પર કેટલી સલામત છે, એ તપાસવા માટે અમેરિકી સંસદે માર્કની પૂછપરછ કરી હતી.
અમેરિકી સંસદની હાઉસ એનર્જી એન્ડ કોમર્સ કમિટીએ માર્કની આકરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન માર્ક ઝકરબર્ગે વધુ એક વખત ખાતરી આપી હતી કે ભારતમાં મહત્ત્વપૂર્ણ ચૂંટણી આવી રહી છે. એ વખતે કોઈ ગરબડ નહીં થાય તેનું અમે પૂરતું ધ્યાન રાખીશું. ભારત ફેસબુકનો મોટો વપરાશકાર દેશ છે. અહીં ફેસબુકના યુઝર્સ ઓછા થાય તો ફેસબુક પર તેની માઠી અસર થયા વગર રહે નહીં. માટે માર્કે વારંવાર ભારતના ફેસબુક યુઝર્સ સલામત છે અને ભવિષ્યમાં સલામત રહેશે એવી ખાતરી આપી હતી.
કેલિફોર્નિયાના મહિલા સેનેટર ડિઆની ફિએન્સ્ટાઈને ઝકરબર્ગને પૂછ્યું હતું કે અમેરિકાની ચૂંટણી હવે બાહ્ય પરિબળોથી પ્રભાવિત ન થાય એ માટે શું કરશો? ત્યારે માર્કે જવાબ આપ્યો હતો કે અત્યારે અમારી પ્રાથમિકતા એ જ છે. કેમ કે ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન, મેક્સિકો સહિતના દેશોમાં ચૂંટણી આવી રહી છે. એ વખતે ફેક ન્યુઝ અને વાંધાજનક વિધાનો ફેસબુકના માધ્યમથી ન ફેલાય એ માટે અમે સતર્ક રહીશું. માર્ક ઝકરબર્ગને ઘણા સવાલોના જવાબમાં પરસેવો વળી ગયો હતો. જેમ કે જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ફેસબુક યુઝર્સની અત્યારે જે માહિતી એકઠી કરો છો, તેનું પ્રમાણ ઘટાડશો? ત્યારે ઝકરબર્ગે કહ્યું કે આ સવાલનો હા કે નામાં જવાબ ન આપી શકાય. અમારે એ માટે વિચાર કરવો પડે. ટૂંકમાં ફેસબુક દ્વારા વપરાશકર્તાની જે માહિતી અત્યારે માંગવામાં આવે છે, તેમાં કાપ મુકવાની તેમની તૈયારી નથી. ઝકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતુ કે રાજકીય ઉદ્દેશ માટે ફેસબુકનો દુરુપયોગ થતો રહ્યો અને એમે તેને અટકાવી ન શક્યા. એ અમારી ભૂલ છે. હવે અમે નવેસરથી દરેક તબક્કે યુઝર્સની માહિતી સુરક્ષિત થાય એ માટે સંખ્યાબંધ પહલા લઈ રહ્યાં છીએ.
કઈ હોટલમાં ઉતર્યા છો?
ફેસબુકે પ્રાઈવસીનો ભંગ કર્યો છે. ફેસબુક વાપરનારા લોકો એમ માનીને ચાલતા હતા કે ફેસબુક આપણી માહિતી કોઈને આપતું નથી. પરંતુ એ માન્યતા ખોટી સાબિત થઈ છે. એ સંદર્ભમાં અમેરિકાના ઈલિનોઈના સેનેટર (સાંસદ) ડીક ડરબિનેચય વેધક અને સચોટ રીતે માર્કને સવાલ કર્યો હતો કે ‘તમે વોશિંગ્ટનમાં કઈ હોટેલમાં રહ્યા છો એ કહેવાનું પસંદ કરશો?’ માર્કે થોડો વિચાર કરીને કહ્યું કે ‘ના’. સેનેટરે ડરબિને બીજો સવાલ કર્યો કે, ‘...તો પછી તમે આ અઠવાડિયે કોને મેસેજ કર્યાં? શું મેસેજ કર્યાં એ કહેવાનું પસંદ કરશો?’ જવાબમાં ઝકરબર્ગે કહ્યું કે ‘ના’. એ પછી સેનેટેરે કહ્યું કે, ‘જો તમે આ સવાલના જવાબ આપવાનું પસંદ ન કરો તો પછી લોકો પણ એવું પસંદ ન કરે કે ફેસબુકમાંથી તેમની માહિતી લીક થાય. તમે કઈ હોટેલમાં રહો છો અને કોને મેસેજ કરો છો એ અંગત બાબત છે. એ વાત તમને કોઈ પૂછે જો જણાવવી ન ગમે. એ રીતે ફેસબુક પર વિશ્વાસ મૂકીને માહિતી આપતા લોકોને પણ તેમની માહિતી લીક થાય એ પસંદ નથી.’