મુંબઇઃ સજ્જન જિંદાલ સામેના આરોપથી રાજકીય અને ડિપ્લોમેટિક વર્તુળોમાં પણ ભારે હલચલ મચી છે કારણ કે જિંદાલ ભારત-પાકિસ્તાન ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં સામેલ હોવાનું લાંબા સમયથી ચર્ચાતું રહ્યું છે. બે દેશોની સરકારો વચ્ચે સીધી મંત્રણા ચાલતી જ હોય પરંતુ તે સિવાય ઉદ્યોગપતિઓ, કલાકારો કે અન્ય હસ્તીઓ મારફતે બિનસત્તાવાર મંત્રણા પણ ચાલતી હોય છે. ક્યારેક તેમાંથી જ બે દેશોના વડાઓ વચ્ચે મીટિંગ કે બે સરકારો વચ્ચે સમજૂતીનો તખ્તો ગોઠવાતો હોય છે. જિંદાલ ભારત-પાકિસ્તાન વચ્ચેની આવી ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં મહત્ત્વનો ભાગ ભજવતા હોવાનું મનાતું રહ્યું છે.
જિંદાલ પાકના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના બહુ અંગત મિત્ર હોવાનું કહેવાય છે. અગાઉ પણ સજ્જનની પાક.માં શરીફ સાથેની મુલાકાત વખતે વિવાદ થયો હતો ત્યારે મરિયમ નવાઝ શરીફે ખુદ સ્વીકાર્યું હતું કે નવાઝ અને સજ્જન સારા મિત્રો છે. જોકે, સજ્જન કોઈ ટ્રેક ટૂ ડિપ્લોમસીમાં ભાગ ભજવતા હોવાનું મરિયમે નકાર્યું હતું.
2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ પાકિસ્તાન પહોંચ્યા હતા અને તેમણે નવાઝ શરીફની બર્થ ડે પાર્ટીમાં સરપ્રાઈઝ હાજરી આપી હતી. આ મુલાકાત ગોઠવવામાં સજ્જન જિંદાલની ચાવીરૂપ ભૂમિકા હોવાનું જે તે વખતે ચર્ચાયું હતું. જોકે, ભારત-પાક.માંથી કોઈએ પણ ક્યારેય સજ્જન જિંદાલની ડિપ્લોમસીમાં ભૂમિકાને સત્તાવાર સમર્થન આપ્યું નથી.