હેગઃ વિશ્વના અનેક દેશમાં નેતાઓ મોંઘીદાટ કારોમાં ફરીને રોલા પાડવામાં બહાદુરી માને છે ત્યારે નેધરલેન્ડ્સના વિદાય લઈ રહેલા વડાપ્રધાન માર્ક રુટે નવા વડાપ્રધાનને સત્તા સોંપ્યા પછી સાયકલ ચલાવીને ઘરે જવાનું પસંદ કર્યું. આ પહેલાં સળંગ 15 વર્ષ સુધી સત્તામાં રહેલા રુટે નવા વડાપ્રધાન ડિક સ્કૂફને સત્તાનું હસ્તાંતરણ કર્યું હતું અને પછી સાવ સામાન્ય માણસની જેમ બહાર નીકળીને સાયકલ પર રવાના થઇ ગયા હતા. નેધરલેન્ડ્સની રાજધાની હેગમાં આવેલા સરકારના હેડ ક્વાર્ટરમાંથી રુટ બહાર નિકળ્યા ત્યારે મોટી સંખ્યામાં મીડિયા અને બીજાં લોકો હાજર હતાં. સાયકલ પર જતા રુટને તેમણે હર્ષનાદથી વધાવી લીધા હતા. 57 વર્ષના માર્ક રુટ વડાપ્રધાનની ઓફિસમાંથી બહાર નિકળીને સાયકલ પર જતા હોય એવા વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને યુઝર્સ રુટની સાદગીને સલામ મારી રહ્યા છે. રુટ 2017માં ભારત પ્રવાસે ગયા હતા ત્યારે પણ બેંગલૂરુમાં સાયકલ પર ફર્યા હતા. આ ઉપરાંત ચાયની કીટલી પર બેસીને સામાન્ય લોકો સાથે ચાય પે ચર્ચા પણ કરી હતી. રુટે એ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં સાયકલ આપી હતી. માર્ક રુટ 2010થી એટલે કે છેલ્લાં 15 વર્ષથી નેધરલેન્ડ્સના વડાપ્રધાન હતા. સળંગ ચાર ટર્મ સુધી વડાપ્રધાનપદે રહેલા રુટ ઓક્ટોબરથી અમેરિકાના નેતૃત્વ હેઠળના ‘નાટો’ના સેક્રેટરી જનરલ તરીકે કામ કરશે. રુટે 2023ના જુલાઈમાં જ રાજકારણથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. રુટે જાહેરાત કરી હતી કે, નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં બહુમતી મેળવનારા પક્ષને સત્તા સોંપીને પોતે વિદાય થઈ જશે. આ ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી નહોતી મળી પણ રુટની પાર્ટીના મોરચાને બહુમતી મળી હતી. સાથી પક્ષોએ રુટને વડાપ્રધાનપદે ચાલુ રહેવા વિનંતી કરતાં રુટ વડાપ્રધાનપદે ચાલુ રહ્યા પણ નવી સરકારની રચના માટેની ક્વાયત શરૂ કરાવી હતી. આ ક્વાયતના પરિણામે બીજી જુલાઈએ સ્કૂફના નેતૃત્વમાં સરકાર રચાતાં છેવટે તેમણે સત્તાની ખુરશી છોડી દીધી હતી.