ન્યૂ યોર્કઃ અમેરિકી સામયિક ‘ટાઈમ’ દ્વારા વર્ષ ૨૦૧૮નું વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરાયું છે. આ લિસ્ટમાં ભારતમાંથી હિરોઈન દીપિકા પદુકોણ, ક્રિકેટર વિરાટ કોહલી, ઓલા કેબના સહસ્થાપક ભાવિશ અગ્રવાલ, ભારતીય અમેરિકન ગૂગલના સીઈઓ સત્ય નાદેલા વગેરેનો સમાવેશ કરાયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સ્વાભાવિક રીતે જ લિસ્ટમાં સામેલ છે. પરંપરા પ્રમાણે લિસ્ટમાં સામેલ વ્યક્તિનો પ્રોફાઈલ એ ક્ષેત્રના જાણકાર કે સેલિબ્રિટીએ લખ્યો છે. જેમકે ભાવિશ અગ્રવાલનો પરિચય ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલે આપ્યો છે. ‘પદ્માવત’ વિવાદ છતાં ફિલ્મ રૂ. ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ એ ફિલ્મની હિરોઈન દીપિકાને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
હોલિવૂડની ફિલ્મ ‘એક્સએક્સએક્સ: રિટર્ન ઓફ કેજ’માં અભિનય આપનારી દીપિકા વિશે આ ફિલ્મના હીરો અને હોલિવૂડના સુપર સ્ટાર વિન ડીઝલે સામયિકમાં લખ્યું છે કે એ માત્ર ભારતની જ નહીં, દુનિયાની વર્તમાન યુવતીઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બ્રિટિશ કુંવર પ્રિન્સ હેરીની ફિયાન્સી મેગન માર્કેલ પણ લિસ્ટમાં છે અને તેનો પરિચય પ્રિયંકા ચોપરાએ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ હેરી પોતે પણ લિસ્ટમાં છે. વિરાટ કોહલી વિશે સચિન તેંડુલકરે લખ્યું છે કે તેનામાં રન મેળવવાની અને ટકી રહેવાની ભૂખ છે એટલે એ બધા ખેલાડીઓથી અલગ છે અને આગળ નીકળે છે.
સત્ય નાદેલા વિશે ટાઈમના પૂર્વ મેનેઝિંગ એડિટર વોલ્ટર આઈઝેકસને ૨૦૧૪માં સત્તા સંભાળ્યા પછી માઈક્રોસોફ્ટનો જે મૂળ ઈનોવેશનનો મંત્ર છે એ નાદેલાએ પુન:સ્થાપિત કર્યો છે. પરિણામે માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યુમાં ચાર વર્ષમાં ૧૩૦ ટકાનો વધારો પણ થયો છે.
ફેસબૂકમાંથી કેમ્બ્રિજ એનાલિટીકા દ્વારા થયેલી ડેટાચોરીનો ભાંડો ફોડનારા વ્હિસલ બ્લોઅર અને એનાલિટીકાના પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાઈલીએ કર્યું હતું. તેને પણ લિસ્ટમાં સ્થાન અપાયું છે. કારણ કે આ કૌભાંડ બહાર પડયા પછી ડેટાની સુરક્ષા માટે નવેસરથી નીતિ-રીતિ ઘડાઈ રહી છે. જે લોકોએ વર્ષ દરમિયાન કંઈક નવું કર્યું હોય, જેમનો લોકો પર વ્યાપક પ્રભાવ હોય, જેમની વાતની સમાજ-સોસાયટીમાં મોટી અસર થતી હોય, જેમની પાસે ભવિષ્ય માટે કંઈક નવા આઈડિયા હોય એવા લોકોનો સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવે છે. ટાઈમ મેગેઝિનનું લિસ્ટ આખી દુનિયામાં ભારે પ્રભાવશાળી ગણાય છે.