બ્રિટિશ ન્યૂઝપેપર ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’એ 21મી સદીના 60 બેસ્ટ એક્ટર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના ફક્ત એક એક્ટરનું જ નામ સામેલ છે. અને બેસ્ટ એક્ટર્સની આ યાદીમાં સ્થાન મેળવનાર અમિતાભ બચ્ચન, શાહરુખ, આમિર કે સલમાન ખાન નહીં, પણ ઈરફાન ખાન છે. ઈરફાન હવે ફાની દુનિયામાં હયાત નથી પણ તેની એક્ટિંગની ચર્ચા દેશવિદેશમાં થતી જ રહે છે. વિશ્વભરના બેસ્ટ એક્ટર્સની યાદીમાં ઈરફાનનો ક્રમ 41મો છે. ઈરફાન 2001માં આવેલી ફિલ્મ ‘ધ વોરિયર’થી તે સૌ કોઈની નજરમાં આવ્યો હતો. તે પછી તિગ્માંશુ ધુલિયાની ‘હાંસિલ’, વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકબૂલ’ અને મીરા નાયરની ફિલ્મ ’ધ નેમસેક’એ તેને એક બહેતરીન એક્ટર તરીકેની ઓળખ આપી હતી. જોકે આ કલાકાર રોગ સામેની લડાઈ હારી ગયો અને 2020માં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
સાત જાન્યુઆરી 1967ના રોજ રાજસ્થાનના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં જન્મેલા ઇરફાન અલી ખાન ફિલ્મોનો જબ્બર શોખીન હતો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગ શીખીને પોતાની ઓળખ ઊભી કરવા માટે ઇરફાન મુંબઈ પહોંચી ગયો હતો. ઇરફાનને જ્યારે કેરિયર બનાવવા માટે સારામાં સારી તક મળી રહી હતી ત્યારે જ તેને દુર્લભ બીમારી થઈ ગઈ. એક્ટરને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયું હતું. આ એક દુર્લભ બીમારી છે. તેના ઇલાજ માટે ઇરફાન મહિનાઓ સુધી યુકેમાં રહ્યો હતો. આશા હતી કે તે ઠીક થઈને પડદા પર કમબેક કરશે પણ એવું ના થયું.