શ્રીનગર, ઇસ્લામાબાદઃ ભારતીય સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ‘બેટ’ના નામે કુખ્યાત પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવતા સાત આતંકીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓના મૃતદેહો હાલ અંકુશ રેખા પર ભારતીય સરહદમાં પડેલાં છે અને તેમાં કેટલાક પાકિસ્તાની રેન્જર્સ કે સૈનિકો હોવાની શક્યતા છે. રવિવારે ભારતીય સૈન્યે પાકિસ્તાની સૈન્યને સંદેશ મોકલાવ્યો છે કે તેઓ સફેદ ઝંડો લઇને આવે અને ભારતીય સરહદમાંથી આ આતંકીઓના શબ લઈ જાય.
જોકે ભારતનાં જડબાતોડ જવાબથી સ્તબ્ધ પાકિસ્તાની સત્તાધિશોએ સરહદી ક્ષેત્રમાં માર્યા ગયેલા આતંકીઓ પોતાના કમાન્ડો કે નાગરિકો હોવાનું નકારીને તેના મૃતદેહો સ્વીકારવા ઈનકાર કર્યો છે. ખરેખર તો આ મુદ્દે પાકિસ્તાનની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. જો તે મૃતદેહોનો કબજો લે તો આ આતંકીઓ તેનાં છે તેવું સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લું પડી જાય અને પાકિસ્તાન આતંકીઓને પોષે છે તેવું પુરવાર થઇ જાય તેમ છે. અને જો તે મૃતદેહો સ્વીકારવા ઇન્કાર કરે તો તેના જ સૈન્યનો જુસ્સો નબળો પડશે અને આતંકવાદી સંગઠનોની નારાજગી પણ વહોરી લેવી પડશે.
બીજી બાજુ, અંકુશ રેખા પર ભારતના આક્રમક અભિગમથી પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. વડા પ્રધાન ઈમરાન ખાને રવિવારે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (એનએસસી)ની ઈમર્જન્સી બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે એલઓસી પર બોફર્સ ગનમાંથી ભારે ફાયરિંગ કરીને પાક.ને પાઠ ભણાવ્યો છે.
સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, ૩૬ કલાકમાં સેનાએ ‘બેટ’ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. ઠાર કરાયેલા આતંકીઓમાં પાક. સેનાના સૈનિકોના મૃતદેહ પણ એલઓસી પર પડ્યા છે. સૈન્ય સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ એલઓસી પર બોફોર્સ તોપ પણ તૈનાત કરી છે. શનિવારે રાત્રે આશરે ૮.૧૫ વાગ્યે પૂંચના મેંઢર સેક્ટરના ગામમાં આવેલી ચોકીઓ પર ગોળીબાર કરી હતી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
ઘૂસણખોરોની તસવીરો
ભારતીય સૈન્યે અંકુશ રેખા પર ઘૂસણખોરોના શબ પડયા હોવાની તસવીરો પણ જાહેર કરી છે. ભારતીય સૈન્ય કેરન સેક્ટરમાં બીએટીના આતંકીઓ અને ભારતીય સૈન્ય વચ્ચેની અથડામણના સ્થળની તસવીરો જાહેર કરી છે, જેમાં લાલ રંગના સર્કલમાં ઘૂસણખોરોના શબ જોવા મળે છે. આ ઘૂસણખોરો ઉપરાંત કાશ્મીર ખીણમાં જૈશના ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી સ્નાઈપર રાઈફલ, આઈઈડી અને પાકિસ્તાનમાં બનેલી લેન્ડમાઇન જપ્ત કરાઈ છે.
પાકિસ્તાનનો નનૈયો
અંકુશ રેખા વિસ્તારમાં ઘૂસણખોરોના મૃતદેહો પડ્યા હોવાના ભારતીય દાવાને પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ‘ભ્રામક પ્રચાર’ ગણાવ્યો હતો અને કહ્યું કે ભારત કાશ્મીર પરથી વિશ્વનું ધ્યાન બીજે હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એ જ રીતે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ અંકુશ રેખા પરના આતંકીઓ પાકિસ્તાની હોવાનો ભારતનો દાવો નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા પર કોઈ કાર્યવાહી કરાઈ હોવાનો અને મૃતદેહો લઈ જવાનો ઈનકાર કરીએ છીએ.