બૈજિંગઃ વુહાનમાં રોગચાળાનું રૂપ લઈ ચૂકેલો કોરોના વાઈરસ હવે દુનિયા માટે ખતરો બની શકે છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ દુનિયાભરના દેશોને ચેતવણી આપી છે કે, ચીનમાં ૯૦૦થી વધુના જીવ લઈ ચૂકેલા આ વાઈરસ સામે લડવા તૈયાર રહેજો. ‘હૂ’ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રિએસસે કહ્યું હતું કે, ચિંતાની વાત એ છે કે, આ વાઈરસનો ચેપ એવા લોકોને પણ લાગ્યો છે, જે ક્યારેય ચીન નથી ગયા. આવા મામલાથી જ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે.
જોકે ‘હૂ’એ સારા સમાચાર પણ આપ્યા છે. સંગઠનના જણાવ્યા પ્રમાણે, ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસની ગતિ ધીમી પડી છે. જોકે, ચેપને રોકવા સતર્ક રહેવાની ખાસ જરૂર છે. કારણ કે, આ વાઇરસને લઇને એવું અનુમાન ના લગાવી શકાય કે, તે સૌથી વધુ ક્યારે ફેલાશે? ચીનની સહમતીથી ‘હૂ’ની ટીમ પણ આ મુશ્કેલી સામે લડવા મંગળવારે બૈજિંગ પહોંચી છે. ટેડ્રોસે ડોક્ટરો, નર્સો અને આરોગ્યકર્મીઓને અસલી હીરો જાહેર કર્યા છે, જેઓ પોતાના જીવના જોખમે આ રોગચાળો કાબુમાં લેવાના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં માસ્કની અછત
‘હૂ’એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ અને અન્ય ચેપથી બચાવતા માસ્કની સમગ્ર વિશ્વમાં અછત સર્જાઈ છે. તેના કારણે રોગ વકરવાની શક્યતા વધી ગઈ છે. દુનિયામાં હાલમાં સુરક્ષા ઉપકરણોની પણ તંગી વર્તાઈ રહી છે અને દવાઓ શોધવામાં પણ સમય જઈ રહ્યો છે જે ચિંતાનજક છે. ચીનમાં લોકો પાસે માસ્ક ન હોવાથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને માસ્ક બનાવીને પહેરી રહ્યા છે.
હોંગકોંગમાં ટોઇલેટ પેપરની અછત
કોરોના વાઈરસના કારણે ફેસ માસ્કની અછત બાદ હોંગકોંગમાં ટોઇલેટ પેપર રોલ્સની ભારે અછત ઊભી થઈ છે. હોંગકોંગની સુપર માર્કેટોમાં ટોઇલેટ પેપર્સના શેલ્ફ ખાલી જોવા મળી રહ્યાં છે. ટોઇલેટ પેપર સિવાય કોન્ડોમ અને ચોખાની પણ ભારે અછત છે.