કોરક્યુલા આઈલેન્ડઃ રત્નાકર પોતાના પેટાળમાં ઘણું બધું ધરબીને બેઠો છે. ભારતના રામેશ્વરમથી શ્રીલંકાને જોડતા આશરે 5,000 વર્ષ અગાઉ રામાયણ કાળના પ્રાચીન રામસેતુ વિશે હવે આખું જગત જાણે છે. સોનાની લંકા કે ભગવાન કૃષ્ણની દ્વારિકા નગરી સહિત અનેક પ્રાચીન નગરો સમુદ્રના પેટાળમાં ગરકાવ થઈ ગયેલાં છે જેના પુરાવા ધીરે ધીરે સાંપડી રહ્યા છે. આ જ રીતે, ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરેનીઅન સીના પેટાળમાં ધરબાયેલા આશર 7,000 વર્ષ પુરાણા પથરીલા માર્ગને સંશોધકોએ શોધી કાઢ્યો છે. કહેવાય છે કે નીઓલિથિક કાળનો આ માર્ગ પ્રાચીન હ્વાર (Hvar) સંસ્કૃતિના લોકો દ્વારા બંધાયો હતો.
ક્રોએશિયાની યુનિવર્સિટી ઓફ ઝાડર (Zadar)ના પુરાતત્વ સંશોધકો અનુસાર પથ્થર યુગના એક સમયે આ માર્ગ ક્રોએશિયાના કોરક્યુલા આઈલેન્ડને સમુદ્રતટથી દૂર પ્રાચીન સોલિન (Soline) વસાહતને જોડતો હતો. આ વસાહતના અવશેષો મેડિટેરેનીઅન વિસ્તારના એડ્રિટાયિક સમુદ્રમાં આશરે 4થી 5 મીટર (13થી 16 ફૂટ)ની ઊંડાઈએ જોવા મળ્યા હતા. પુરાતત્વશાસ્ત્રીઓએ સૌપહેલા વર્ષ 2021માં કોરક્યુલા ટાપુના જળવિસ્તારની સેટેલાઈટ ઈમેજીસ થકી આ પ્રાચીન વસાહતનાં અસ્તિત્વની નોંધ લીધી હતી. દરિયાઈ પેટાળમાં વિચિત્ર પથરીલો માર્ગ જણાતા તેઓ ઊંડાઈએ પહોંચ્યા અને પ્રાચીન વસાહતની દીવાલો મળી આવી હતી, જે જમીનની સાંકડી પટ્ટીને મુખ્ય ટાપુ સાથે સાંકળતી હતી. દરિયા નીચે રહેલી આ વસાહતનું નિર્માણ નીઓલિથિક કાળની હ્વાર સંસ્કૃતિના લોકો દ્વારા કરાયાનું મનાયું છે.
સોલિન વસાહતથી પ્રાપ્ત ઓર્ગેનિક નમૂનાઓના અવશેષોનું કાર્બન ડેટિંગ કરાવાથી તે આશરે 4,900 વર્ષ જૂના હોવાનું સંશોધકોએ જાહેર કર્યું હતું. દરિયાના પેટાળમાં ગોઠવાયેલાં પથ્થરના મોટા ટુકડાઓ સાથેનો આશરે 4 મીટર (13 ફૂટ)ની પહોળાઈ સાથેનો માર્ગ ભારે કાદવકીચડ હેઠળ દબાઈ ગયો હતો. યુનિવર્સિટી ઓફ ઝાડરના જણાવ્યા મુજબ સોલિનને કોર્ક્યુલા સાથે જોડતો આ માર્ગ હજારો વર્ષો સુધી જળવાઈ રહ્યો છે તેનું કારણ સમગ્ર ક્રોએશિયન તટ પરના અસંખ્ય નાના ટાપુઓ છે જે મોટી લહેરો સામે રક્ષણ આપે છે.
સંશોધકોએ કોરક્યુલા આઈલેન્ડની સામેની દિશામાં ગ્રાડિના બેની આસપાસ સંશોધન હાથ ધર્યું છે જ્યાં, બે વર્ષ અગાઉ સોલિન પ્રકારની જ વસાહત શોધાઈ છે. અહીં પણ, પથ્થર યુગના ચકમકના પથ્થરના ચાકુ, પથ્થરની કુહાડીઓ તેમજ ઘંટીના તૂટેલાં પડ સહિતના અવશેષો મળ્યા છે જે, હ્વાર સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોવાનું સ્પષ્ટ છે.