આજથી બે હજાર વર્ષ પહેલા ઈસવી સન પૂર્વે ૨૮માં થઈ ગયેલા પ્રથમ રોમન સમ્રાટ (અને જૂલિયસ સિઝરના ભત્રીજા) ઓગસ્ટસે પોતાની હયાતીમાં જ પોતાના ભવ્ય મકબરાનું નિર્માણ શરૂ કરાવી દીધું હતું. આશરે ચાર દસકા સુધી શાસન કરનાર ઓગસ્ટસને તેમની ઇચ્છા અનુસાર તૈયાર કરાયેલા આ ભવ્ય મકબરામાં દફનાવાયા હતા. ૧૨૭ ફૂટ ઊંચું તથા ૨૯૫ ફૂટની ગોળાઈ ધરાવતું આ ભવ્ય બાંધકામ ૨૦૦૦ વર્ષ સુધી ધૂળમાં ધરબાયેલું રહ્યું. ઇટલીની રાજધાની રોમમાં આવેલું આ ઐતિહાસિક સ્થાન થોડાક વર્ષો પૂર્વે સંશોધકોના ધ્યાને પડ્યું. આ પછી તેમણે આ ઐતિહાસિક નિર્માણના રિસ્ટોરેશન માટે ફંડ ભેગું કર્યું. ૧૪ વર્ષ રિપેરિંગ કામ ચાલ્યું અને અંદાજે ૯૦ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી એ મકબરો સમ્રાટને શોભે એવી સ્થિતિમાં આવ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભ પહેલી વાર તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. પહેલી વાર એટલે ૨૦૦૦ વર્ષમાં પહેલી વાર કેમ કે ૨૦૦૬ પહેલા તો રોમન સમ્રાટનો આવો કોઇ મકબરો છે એવીય કોઇને જાણકારી ન હતી. પુરાતન બાંધકામમાં હોય એવી નાની-મોટી અનેક ચેમ્બરો અને ભોંયરાઓ આ કબરને વધારે રોમાંચક બનાવે છે.