નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં તાજેતરમાં સર્જાયેલા સરહદી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારત અને ચીનના મિલિટરી કમાન્ડર સહમત થયા છે. બંને દેશની નેતાગીરી વચ્ચે થયેલા કરાર અને દ્વિપક્ષીય સમજૂતીઓ અંતર્ગત સરહદી વિવાદનો ઉકેલ લવાશે. ભારતના વિદેશ મંત્રાલયેનિવેદનમાં જણાવ્યું હતું કે, શનિવારે જ બંને પક્ષ ભારત અને ચીનના સરહદી પ્રદેશોમાં શાંતિ અને સ્થિરતા માટે નેતાઓ વચ્ચે થયેલા કરાર અને દ્વિપક્ષીય સમજૂતીઓ અંતર્ગત સરહદી વિસ્તારોમાં સર્જાતા વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સહમત થયા છે.
ચીનની અવળચંડાઇ, ભારતનો જવાબ
લદ્દાખ સરહદે ચીન સાથે પ્રવર્તી રહેલી તંગદિલી વચ્ચે ભારતીય સૈન્ય પણ પૂરી રીતે સાવધ અને તૈયાર છે. ચીન કેટલાક દિવસથી સરહદે પોતાના સૈનિકોની તૈયારી અંગેના વીડિયો જારી કરી રહ્યું છે. તે દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ પણ સોમવારે લદ્દાખ સરહદે ભારતીય સૈનિકો કેટલા સાવધ થઇને સરહદની સુરક્ષા કરી રહ્યા છે તે અંગેનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો.
વિવાદ ઉકેલવા નેપાળ વીડિયો કોન્ફરન્સ માટે રાજી
નવી દિલ્હીઃ ચીનના પ્રભાવમાં આવીને જુદા જ માર્ગે આગળ વધી રહેલા નેપાળ હવે પોતાના પથ પર આછું ફરી રહ્યું છે. નવા નક્શામાં ભારતના કેટલાક વિસ્તારો પર અધિકાર જાહેર કર્યા પછી નેપાળે હવે મંત્રણાના મેજ પર આવવાની તૈયાર બતાવી છે. નેપાળે દિલ્હીને કહ્યું કે બંને દેશના વિદેશ સિચવો વચ્ચે વર્ચુઅલ બેઠક યોજાય તે માટે પણ તે તૈયાર છે.