ભારત-પાકિસ્તાન સરહદે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષની સમાંતરે એવી અનેક નાની-મોટી ઘટનાઓ બનતી રહી છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંઘર્ષ સાથે જોડાયેલી છે. આવી જ કેટલીક ઘટનાઓની આછેરી ઝલક.
હુમલામાં જૈશને ભારે નુકસાનઃ મસૂદનો ભાઈ
પાકિસ્તાન સરકારે ભલે બાલાકોટમાં ભારતીય એર સ્ટ્રાઈકની વાતને નકારી હોય પણ જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. જૈશના વડા મસૂદ અઝહરના નાના ભાઈ મૌલાના અમ્મારે એક ઓડિયો ક્લિપ જારી કરી છે. તેમાં અમ્મારે જણાવ્યું હતું કે, ભારતીય યુદ્ધવિમાનોએ ખૈબર પખ્તુન્વા પ્રાંતના બાલાકોટમાં મોટી સંખ્યામાં તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા ઉપર વાઈરલ આ ઓડિયોમાં મૌલાના અમ્માર કહે છે કે, જૈશના ઠેકાણાઓ ઉપર બોંબમારો કરાયો હતો. ઉપરાંત ભારતીય લડાકુવિમાનો દ્વારા એવા ઠેકાણાઓને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે જે મહત્ત્વના હતા. ઓડિયોમાં અમ્મારના અવાજમાં નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. ઓડિયોમાં મૌલાનાએ જણાવ્યું કે, આજે દુશ્મનોએ પહાડો ઓળંગીને અમારી જમીનમાં ઘૂસીને ઈસ્લામિક સેન્ટર ઉપર હુમલા કર્યા ત્યારે ઘણું નુકસાન થયું છે. દુશ્મને અમારા હુમલાનો જવાબ આપ્યો હતો. તેમણે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. આ વાત પરથી સ્પષ્ટ જણાય છે કે, દુશ્મનોએ જાતે જ ભારતની કામગીરીની વાતને સમર્થન આપી દીધું છે.
પાક. પંજાબ પ્રાંતમાં ૫૩ સંસ્થા પર પ્રતિબંધ
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઘાડો પાડયા પછી પાકિસ્તાન પોતાની જમીન પરથી આતંકી પ્રવૃત્તિ વિરુદ્ધ પગલાં લેવા મજબૂર બન્યો છે. પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકાર દ્વારા ત્યાં આતંકી સંગઠનોને મદદ કરતી ૫૩ સંસ્થાઓ પર રવિવારે પ્રતિબંધ લગાવ્યો છે. પાક. વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ફરી એક વાર શેખી મારી હતી કે તેની જમીન પરથી કોઈપણ દેશ સામે આતંકી પ્રવૃત્તિ ચલાવવા કોઈ સંગઠનને છૂટ અપાશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનનાં હેડ ક્વાર્ટરને સરકારે કબજામાં લઈ લીધું છે.
મસૂદ પર પ્રતિબંધ માટે યુએનમાં ફરી પ્રસ્તાવ
જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે યુએનની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ થયો છે. તેને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને રજૂ કર્યો હતો. સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ આ પ્રસ્તાવ અંગે ૧૦ દિવસમાં વિચારશે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા પહેલાંની જેમ ભારતની પડખે છે. ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને પ્રસ્તાવમાં અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાની માગ કરી હતી. જોકે આ પ્રસ્તાવ અંગે ચીને કોઈ પ્રતિક્રિયા આપી નથી. આતંકી મસૂદ પર ૧૦ વર્ષમાં ચોથી વાર પ્રસ્તાવ લવાયો છે. ૨૦૦૯માં ભારતે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ૨૦૧૬માં ભારત, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના સમર્થનથી પ્રસ્તાવ લવાયો. ત્રીજીવાર ૨૦૧૭માં પણ આવું જ કરાયું. ચીને દરેક વખતે ટેકનિકલ રીતે ખોટું બતાવી તેને અટકાવી દીધો.
ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાન ફસાશે
વિશ્વભરમાં થતી રહેતી ત્રાસવાદીઓને ફંડિંગ અને મની લોન્ડરિંગની પ્રવૃત્તિ વિરુદ્ધ કામ કરનારી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ગયા મહિને યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને ત્રાસવાદીઓને ભંડોળ આપવાની પ્રવૃત્તિ રોકવા ચેતવણી અપાયા બાદ ઇસ્લામાબાદ દબાણભરી સ્થિતિમાં છે. તે દરમિયાન પાકિસ્તાની નાણાંકીય વોચડોગ એજન્સી દ્વારા જાહેર થયેલો આંકડો ચોંકાવનારો છે. વર્ષ ૨૦૧૮માં ૮,૭૦૭ શંકાસ્પદ વ્યવહારોની જાણકારી મળી છે. વર્ષ ૨૦૧૭ના ૫,૫૪૮ શંકાસ્પદ વ્યવહારને મુકાબલે આ આંકડો ૫૭ ટકા વધુ છે. પાક.ના અખબાર ‘ડોન’ના જણાવ્યા મુજબ તાજેતરમાં યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આ વિગતોથી વાકેફ કર્યા છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આ ગંભીર મુદ્દો છે અને પાકિસ્તાન પોતાનું ઘર સંભાળે તે જરૂરી બની રહ્યું છે.
પાકિસ્તાની ડ્રોનને ભારતનાં સુખોઈ-૩૦એ તોડી પાડ્યું
શાંતિની દુહાઈ દેનાર પાકિસ્તાને એક યા બીજી રીતે સરહદે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું છે. તો બીજી તરફ ભારતીય સુરક્ષા દળો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને પાઠ ભણાવી રહ્યા છે. સોમવારે ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના બિકાનેરમાં ભારત-પાક. સરહદે ભારતીય હવાઇક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડયું હતું. પાકિસ્તાને જાસૂસી માટે આ ડ્રોનને મોકલ્યું હતું. પાકિસ્તાની ડ્રોન લગભગ ૧૦ મિનિટ સુધી ભારતીય વાયુ ક્ષેત્રમાં રહ્યું હતું. બિકાનેર જિલ્લાના નાલ સેક્ટર સ્થિત સીમા પર લાલ રંગનું ડ્રોન ચકરાવો લઈ રહ્યું હોવાનું રડારમાં દેખાતા એરફોર્સના સુખોઈ ૩૦-MKI લડાકુ વિમાનોએ ઉડાણ ભરી હતી. ભારતીય સરહદની અંદર જ મિસાઈલ છોડીને ડ્રોન ભોયભેગું કરી નાખ્યું હતું.