નવી દિલ્હીઃ ભારતના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફટનન્ટ જનરલ રણબીર સિંહે આજે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી કે ‘ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાસે છુપાયેલા આતંકવાદીઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને કેટલાય આતંકવાદીઓને મારી નાખ્યા છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે આ ઓપરેશન બુધવારે મધરાતે થયું હતું અને હવે કાર્યવાહી પૂરી થઇ ગઇ છે.
ભારતીય સેનાએ જણાવેલી ૧૦ મહત્ત્વની બાબત - લેફ. જનરલ રણબીર સિંહના શબ્દોમાં...
૧) બુધવારે બહુ જ વિશ્વસનીય માહિતી મળી હતી કે આતંકવાદીઓ નિયંત્રણ રેખા નજીક આવેલી છાવણીઓમાં એકત્ર થયા છે અને તેઓ સીમાપાર ઘુસણખોરી કરીને જમ્મુ-કાશ્મીર કે ભારતના મોટા શહેરો પર હુમલા કરી શકે.
૨) આ માહિતીના આધારે ભારતીય સેનાએ તે છાવણીઓ પર બુધવારે રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યા છે. આમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ભારે નુકસાન થયું છે અને કેટલાયને મારી નાંખવામાં આવ્યા છે.
૩) આ ઓપરેશન્સ હવે સમાપ્ત થઇ ગયા છે. આ કાર્યવાહી ચાલુ રાખવાનો અમારો કોઇ ઇરાદો નથી કેમ કે આનો ઉદ્દેશ માત્ર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો હતો.
૪) છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાન સાથે જોડાયેલી નિયંત્રણ રેખા પરથી ઘુસણખોરીમાં વધારો નોંધાયો છે. ૧૧ અને ૧૮ તારીખના હુમલાઓ ઉપરાંત ઘૂસણખોરીના આવા ૨૦ પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે.
૫) ઘુસણખોરીના આ પ્રયાસો દરમિયાન મળેલા માલસામાનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) જેવી ચીજવસ્તુઓ પર પાકિસ્તાની નિશાન જોવા મળે છે.
૬) અમે કેટલાક પાકિસ્તાનીઓની અટકાયત પણ કરી છે, જેઓ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરના રહેવાસી છે. પૂછપરછમાં તેમણે કબૂલ્યું છે કે તેમને પાકિસ્તાનમાં તાલીમ અને શસ્ત્રો આપવામાં આવ્યા છે.
૭) અમે પાકિસ્તાનને જણાવ્યું છે કે તે આ આતંકવાદીઓને કાનૂની મદદ પૂરી પાડવા માટે સ્વતંત્ર છે. અમે તેમને ઉરી અને પુંચના હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની ફિંગરપ્રિન્ટ અને ડીએનએ સેમ્પલ આપવાની તૈયારી પણ દર્શાવી છે.
૮) હું એ વાતની ખાતરી આપું છું કે ભારતીય સુરક્ષા દળો કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છે. અમે કોઇ પણ સંજોગોમાં આતંકવાદીઓને નિયંત્રણ રેખા પાસે હિલચાલની છૂટ આપી શકીએ નહીં.
૯) બુધવારે રાતના આ ઓપરેશન અંગે મેં પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ)ને ફોન કરીને જાણકારી આપી દીધી છે.
૧૦) પાકિસ્તાને જાન્યુઆરી ૨૦૦૪માં ખાતરી આપી હતી કે તે પોતાની જમીન પરથી ભારતવિરોધી આતંકવાદી પ્રવૃત્તિ થવા દેશે નહીં અને તેના આધારે જ હું (ડીજીએમઓ) પાકિસ્તાની સેના પાસેથી આશા રાખું છું કે તેઓ અમારું સમર્થન કરશે અને પ્રદેશમાં શાંતિ સ્થપાશે.