વોશિંગ્ટન: અમેરિકામાં નવેમ્બરમાં થનારી પ્રમુખપદની ચૂંટણીનો માહોલ બરાબર ગરમાયો છે. રાજનીતિ અને રાજરમત તેની ચરમસીમાઓ છે ત્યારે એક સર્વેમાં હાલના પ્રમુખ ટ્રમ્પ કરતાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન આગળ જણાયાના અહેવાલ છે. રાજકારણ નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જો આ અંતર ચૂંટણી સુધી ઘટતો જશે તો ટ્રમ્પની હાર નિશ્ચિત છે. અમેરિકાની ક્વિનિયોક યુનિવર્સિટીના રાષ્ટ્રીય સર્વે અનુસાર, પ્રૂમખ ટ્રમ્પ તેમના નજીકના પ્રતિસ્પર્ધી જો બિડેન કરતાં ૧૫ પોઇન્ટ પાછળ ચાલી રહ્યા હતા. સર્વેમાં નોંધાયેલા મતદારોમાં બાવન ટકા લોકોએ બિડેનને જ્યારે ૩૩ ટકા લોકોએ ટ્રમ્પને પસંદ કર્યાં હતાં.
અમેરિકાની ચૂંટણીમાં અર્થતંત્ર પછી ચીનનો મુદ્દો સૌથી મોટો મુદ્દો છે. બીજી તરફ એક અન્ય સર્વેક્ષણમાં પણ ટ્રમ્પને પાછળ પડતા જોવા મળ્યા હતા. આ સર્વે એનબીસી-ડબલ્યુએસજે દ્વારા કરાયો હતો.
આ સર્વેમાં પણ બિડેન આગળ જણાતાં બિડેનને ૫૧ ટકા જ્યારે ટ્રમ્પને ૪૦ ટકા લોકોએ પ્રમુખપદે પસંદ કર્યાં હતાં. મનાય છે કે અર્થતંત્રના કારણે મતદારો ટ્રમ્પની ખૂબ નારાજ હતા.
ચૂંટણીમાં અર્થવ્યવસ્થા, કોરોના અને ચીન સૌથી મોટા મુદ્દા છે. વિજ્ઞાાપનોની સમીક્ષા કરનાર રિપબ્લિકન પોલ્સ્ટર ફ્રેન્ક અનુસાર, ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા રહેશે. ચૂંટણીમાં અમેરિકાની અર્થવ્યવસ્થા સૌથી મોટો મુદ્દો બનશે.
જોકે કોરોનાથી ત્રસ્ત લોકો માટે આટલી મોટી કોરોના સંક્રમિત સંખ્યા પણ એક શોચનીય મુદ્દો છે. તેમના માટે ત્રીજો સૌથી મોટો મુદ્દો ચીન છે.
છેલ્લા પરાજયથી શીખ મળીઃ ભારતીય વોટરો પર ડેમોક્રેટનું ફોક્સ
આ ચૂટણીમાં ભારતીય-અમેરિકન મતદારોની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે એવો દાવો ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ થોમસ પેરેઝે કર્યો છે. પેરેઝે આ માટે મિશિગન, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન રાજ્યની છેલ્લી ચૂંટણીનાં પરિણામોનું ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી છેલ્લે અહીં જેટલા વોટથી હારી હતી. જો મહેનત કરાય તો આ વોટ મળી શકે છે. તેથી આપણે ભારતીય-અમેરિકન મતદાતાઓ અંગે ગંભીરતાથી વિચાારવું જોઇએ. અમેરિકાના ૮ રાજ્યમાં લગભગ ૧૩ લાખ ભારતીય મતદારો છે.
વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં ૭૭ ટકા ભારતીય-અમેરિકન વોટર ડેમોક્રેટિક પક્ષે હતા. પેરેઝ ભારતીય અમેરિકનોના ત્રણ મુખ્ય સંગઠન એશિયન એમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડ્સ, ઇન્ડિયન- અમેરિકન ઇન્પેક્ટ ફંડ અને સાઉથ એશિયન્સ ફોર બાઇડેનની સંયુક્ત ડિજિટલ બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.