ન્યૂ યોર્ક: ટેક્સાસનો ડેનિયલ પોર્ટર એક દિવસ સવારે ઊઠ્યો તો પોતાની સાથે સૂતેલી એક મહિલાને જોઇને ચોંકી ગયો. ભાઇસાહેબ પોતાની પત્નીને તો ના જ ઓળખી શક્યા, પણ અરીસા નજીક ગયા તો પોતાનો ચહેરો પણ ન ઓળખી શક્યા. ઘરમાં દોડાદોડ કરતી ૧૦ વર્ષની છોકરીને જોઇને તો તેનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. આ પછી તેણે ઘડિયાળમાં સમય જોયો અને તરત જ સ્કૂલે જવાની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયો.
જોકે એ તૈયાર થાય એ પહેલાં જ તેની પત્ની અને પુત્રી કે જેમને તે પોતાના જ ઘરમાં અજનબી સમજી રહ્યો હતો તેઓ તેની નજીક આવ્યા અને કહ્યું કે તે ૧૬ વર્ષનો ટીનેજર નહીં, પણ ૩૬ વર્ષનો પુરુષ છે. ડેનિયલ આ વાત માનવા જ તૈયાર ન થયો અને એમ માનતો રહ્યો કે તે કિડનેપ થયો છે. બનાવ ગત વર્ષનો છે, પણ પ્રકાશમાં હવે આવ્યો છે. વાત એમ છે કે ડેનિયલ ટ્રાન્ઝિટ ગ્લોબલ એમ્નેશિયાનો શિકાર બન્યો હતો. આ બીમારીમાં દર્દી પોતાના જીવનનો અમુક ભાગ ભૂલી જાય છે.
ડેનિયલ તેના જીવનના લગભગ ૨૦ વર્ષ ભૂલી ચૂક્યો હતો. તેની પત્ની રુથ તેને તેના પેરન્ટ્સ પાસે લઇ ગઇ, જેમણે તેને સમજાવ્યું કે તે રુથ સાથે સુરક્ષિત છે. પછી તેઓ ડોક્ટર પાસે ગયા તો તેમણે જણાવ્યું કે તે ૨૪ કલાકમાં નોર્મલ થઇ જશે પણ ૧ વર્ષ વીતી ગયા પછી પણ તેને હાઇ સ્કૂલથી જવાનીના દિવસો વચ્ચેના ૨૦ વર્ષની મોટા ભાગની સફર યાદ આવી નથી.
ડેનિયલ તેના ફ્રેન્ડ્સ, હાઇ સ્કૂલ પછીનો અભ્યાસ અને નોકરી પણ ભૂલી ચૂક્યો છે. રુથ ઘણી વાર ડેનિલયને કોલેજના ફ્રેન્ડ્સ પાસે લઇ જતી કે જેથી કદાચ તે બધાને જોઇને કદાચ તેની યાદદાસ્તનો વિસરાયેલો ટુકડો પાછી આવી જાય. રુથ કહે છે કે ગત વર્ષની શરૂઆતમાં નોકરી ગુમાવ્યા બાદ ડેનિયલ ઘણો પરેશાન હતો.
ડોક્ટર્સનું માનવું છે કે આ સ્ટ્રેસના કારણે જ તેની આ હાલત થઇ ગઇ છે. માનસિક બીમારી તેની યાદદાસ્ત જ નહીં, નોકરી અને મકાન પણ ભરખી ગઇ છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ગત વર્ષે નોકરી ગુમાવતાં ડેનિયલને ઘર વેચવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, તેને ડિસ્કનો પ્રોબ્લેમ પણ થયો. આ પછી તેને ચક્કર આવવા લાગ્યા. જાણે તેના મગજે કહી દીધું હતું કે હવે તે વધુ સ્ટ્રેસ સહન કરી શકે તેમ નથી. ટ્રોમામાં ઘણી વાર લોકોની યાદશક્તિ જતી રહે છે પણ એકઝાટકે ૨૦ વર્ષનો ટુકડો જ મગજમાંથી ઇરેઝ થઇ જાય એવું તો ક્યારેય નથી સાંભળ્યું.