લંડનઃ વિશ્વની સૌથી ઝડપે દોડતી અથવા કહો કે કૂદતી કીડીનો ખિતાબ સહારન સિલ્વર કીડી પ્રજાતિને મળ્યો છે. આ કીડી કલાકના ૩૬૦ માઈલ બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ સેકન્ડ એક યાર્ડની અકલ્પનીય ઝડપે દોડે છે અથવા તો કૂદે છે. કોઇને પણ કીડીની દોડ સૌથી વધુ ઝડપી હોવાના મુદ્દે શંકા હોય તો તેમને એટલું જ કહેવાનું કે ભયંકર દઝાડતી રેતીમાં પણ તે પ્રતિ ક્ષણ ૪૭ પગલાં દોડે છે. આપને યાદ કરાવી દઇએ કે ‘ધરતી પરના સૌથી ઝડપી માનવી’નું સન્માન ધરાવતો દોડવીર ઉસૈન બોલ્ટ પણ પ્રતિ સેકન્ડ ચાર પગલાં દોડે છે. આ નાનકડું જંતુ દર સેકન્ડે પોતાની શરીરની લંબાઈથી ૧૦૮ ગણો વિસ્તાર આવરી લે છે જે માનવીની દોડમાં કલાકના ૩૬૦ માઈલની સમકક્ષ થાય છે.
વૈજ્ઞાનિકોએ સહારન સિલ્વર કીડીની ગતિ માપવા માટે અનેક ફિલ્મ ઉતારી હતી, જેનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે કીડી જમીનથી એક સાથે છ ફૂટ ઉછળીને દોડે છે. આફ્રિકાના સહારાના રણમાં દઝાડતી રેતી ૬૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી તપતી હોય ત્યારે આ રીતનો ઉછાળ તેની દોડમાં મદદરૂપ બની રહે છે.
અભ્યાસના મુખ્ય સંશોધક અને જર્મનીની ઉલ્મ યુનિવર્સિટીના પ્રોફેસર હેરાલ્ડ વોલ્ફ કહે છે કે, ‘રણમાં કીડીઓની પ્રજાતિઓમાં પણ સિલ્વર એન્ટ (વૈજ્ઞાનિક નામ Cataglyphis bombycina) વિશેષ છે.’ આ કીડીઓ રણમાં પ્રાણીઓના મૃતદેહ પર નભે છે અને તેના ચાંદી જેવા વાળ સૂર્યની ગરમીને પરાવર્તિત કરે છે.
કંઇક અંશે સિલ્વર એન્ટ્સ જેવી જ ફાયર એન્ટ્સ પણ દોડવામાં અતિશય ઝડપી છે, જે પ્રતિ સેકન્ડ તેના શરીરની લંબાઈથી નવ ગણી ઝડપે દોડી શકે છે. માનવીના કદની સાથે સરખામણી કરીએ તો કહેવાય કે આ ઝડપ અંદાજે પ્રતિ કલાક ૩૦ માઈલ દોડની થાય.