જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ આખરે રાજીનામું આપ્યું છે. તેમના પર હોદ્દાના દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આક્ષેપ હતો. શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસે તેમના અનુગામી તરીકે સિરિલ રામાફોસાની પસંદગી કરી છે. હાલમાં તેઓ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા.
શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (એએનસી)એ ભ્રષ્ટાચારના આક્ષેપોને નજરમાં રાખીને ઝુમાને થોડાક દિવસ પૂર્વે જ પ્રમુખપદેથી રાજીનામું આપવા જણાવ્યું હતું. જોકે ઝુમા હાઇ કમાન્ડની સુચનાને અનુસર્યા નહોતા. એએનસીએ રાજીનામા માટે કોઈ સમયસીમા નક્કી કરી ન હતી, પરંતુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જેકબ ઝુમા જો રાજીનામું નહીં આપે તો સંસદમાં તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને પ્રમુખના હોદ્દા પરથી દૂર કરાશે.
ભારતવંશી ગુપ્તાબંધુઓને ત્યાં દરોડા પડ્યા બાદ ભીંસમાં આવેલા ૭૫ વર્ષના ઝુમાએ બુધવારે જ રાષ્ટ્રજોગ ટીવી સંબોધનમાં તાત્કાલિક અસરથી ગણરાજ્ય (સાઉથ આફ્રિકા)નું પ્રમુખપદ છોડી રહ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેમના આઠ વર્ષ લાંબા કાર્યકાળનો અંત આવી ગયો છે. તેઓ ૨૦૧૯ની ચૂંટણી સુધી પ્રમુખપદે રહેનાર હતાં.
જેકબ ઝુમા સામે વિપક્ષોએ અનેકવાર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા હતા, પરંતુ જુમા સત્તા ટકાવી રાખવામાં સફળ થયા હતાં. ૨૦૦૮માં તત્કાલીન પ્રમુખ થાબો મબેકીએ જેકબ ઝુમાને તેમના અનુગામી જાહેર કરી બધાને ચોંકાવી દીધા હતાં. કારણ કે મબેકીએ જ ૨૦૦૫માં તેમને તેમના નાયબ નેતા જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.
ઝુમા અને સમર્થકો ભીંસમાં
દરોડાને પગલે ઝુમા અને તેમના રાજકીય સમર્થકો પરનાં દબાણમાં નાટયાત્મક વધારો થયો હતો. તમામ પર આક્ષેપ થઈ રહ્યા હતા કે તેઓ દેશનાં સંસાધનોનો ઉપયોગ પોતાનાં હિતમાં કરતા હતા. પોલીસનું હોક યુનિટ વહેલી સવારે ગુપ્તાબંધુઓનાં નિવાસો પર ત્રાટક્યું હતું અને બાદમાં ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હતી.
રામાફોસા અને ઝુમા વચ્ચે સત્તાસંઘર્ષ
ઝુમાએ આ તમામ ઘટનાક્રમ અંગે ચૂપકિદી સેવી હતી. કહેવાય છે કે આફ્રિકી નેશનલ કોંગ્રેસે નાયબ પ્રમુખ સિરીલ રામાફોસાને પક્ષના પ્રમુખપદે ચૂંટી કાઢતાં ઝુમાની પડતીના દિવસો શરૂ થયા હતા.
હકાલપટ્ટીનો તખતો તૈયાર હતો
ઝુમાએ રાજીનામું આપ્યું તે પૂર્વે સંસદમાં તેમની હકાલપટીનો તખતો તૈયાર થઇ ગયો હતો. સંસદમાં પ્રમુખ જેકબ ઝુમા સામે ગુરુવારે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવાની હતી, શાસક પક્ષ એએનસીએ આ અંગેની જાહેરાત કરી હતી. એએનસીના નેતા પૌલ માશાટાઇલે જાહેર કર્યું હતું કે સંસદના ચીફ વ્હીપને ઝુમા સામે ગુરુવારે અવિશ્વાસની દરખાસ્ત લાવવા કહી દેવાયું છે.