જોહાનિસબર્ગ: હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ દક્ષિણ આફ્રિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ૧૬મી ફેબ્રુઆરીએ શપથ લીધા હતા. ઝુમાના રાજીનામા પછી શાસક પક્ષના રાજકારણીઓ દ્વારા તેમને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (એએનસી) દ્વારા પ્રભુત્વ ધરાવતી ૪૦૦ સભ્યોની સંસદ દ્વારા રામાફોસાને તેમના પૂર્વગામીની અવધિ પૂર્ણ થતાં તેમને ચૂંટવામાં આવ્યા હતા.
૬૫ વર્ષીય રામાફોસા, ૨૦૧૪માં દેશના નાયબ રાષ્ટ્રપતિ બન્યા હતા.
ઝુમાનું રાજીનામું
શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (એએનસી)એ ભ્રષ્ટાચારના આક્ષેપોને નજરમાં રાખીને ઝુમાને થોડાક દિવસ પૂર્વે જ પ્રમુખપદેથી રાજીનામું આપવા જણાવ્યું હતું. જોકે ઝુમા હાઇ કમાન્ડની સુચનાને અનુસર્યા નહોતા. એએનસીએ રાજીનામા માટે કોઈ સમયસીમા નક્કી કરી ન હતી, પરંતુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જેકબ ઝુમા જો રાજીનામું નહીં આપે તો સંસદમાં તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને પ્રમુખના હોદ્દા પરથી દૂર કરાશે.
ભારતવંશી ગુપ્તાબંધુઓને ત્યાં દરોડા પડ્યા બાદ ભીંસમાં આવેલા ૭૫ વર્ષના ઝુમાએ બુધવારે જ રાષ્ટ્રજોગ ટીવી સંબોધનમાં તાત્કાલિક અસરથી ગણરાજ્ય (સાઉથ આફ્રિકા)નું પ્રમુખપદ છોડી રહ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેમના આઠ વર્ષ લાંબા કાર્યકાળનો અંત આવી ગયો છે. તેઓ ૨૦૧૯ની ચૂંટણી સુધી પ્રમુખપદે રહેનાર હતાં.
જેકબ ઝુમા સામે વિપક્ષોએ અનેકવાર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા હતા, પરંતુ જુમા સત્તા ટકાવી રાખવામાં સફળ થયા હતાં. ૨૦૦૮માં તત્કાલીન પ્રમુખ થાબો મબેકીએ જેકબ ઝુમાને તેમના અનુગામી જાહેર કરી બધાને ચોંકાવી દીધા હતાં. કારણ કે મબેકીએ જ ૨૦૦૫માં તેમને તેમના નાયબ નેતા જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. દરોડાને પગલે ઝુમા અને તેમના રાજકીય સમર્થકો પરનાં દબાણમાં નાટયાત્મક વધારો થયો હતો.
તમામ પર આક્ષેપ થઈ રહ્યા હતા કે તેઓ દેશનાં સંસાધનોનો ઉપયોગ પોતાનાં હિતમાં કરતા હતા. પોલીસનું હોક યુનિટ વહેલી સવારે ગુપ્તાબંધુઓનાં નિવાસો પર ત્રાટક્યું હતું અને બાદમાં ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હતી.
રામાફોસા - ઝુમા વિવાદ
ઝુમાએ આ તમામ ઘટનાક્રમ અંગે ચૂપકિદી સેવી હતી. કહેવાય છે કે આફ્રિકી નેશનલ કોંગ્રેસે નાયબ પ્રમુખ સિરીલ રામાફોસાને પક્ષના પ્રમુખપદે ચૂંટી કાઢતાં ઝુમાની પડતીના દિવસો શરૂ થયા હતા.