વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૫મી જાન્યુઆરીએ ૮૬૪૧૯૬૮૨, કુલ મૃતકાંક ૧૮૬૭૩૭૯ અને કુલ રિકવરી આંક ૬૧૨૬૩૭૩૯ સુધી પહોંચ્યો છે. અમેરિકામાં હજી કોરોના સંક્રમણ માઝા મૂકી રહ્યું છે અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨૧૩૭૪૫૨૪ અને મૃતકાંક ૩૬૨૭૬૪ અને રિકવરી આંક ૧૨૭૪૧૫૩૦ થઈ છે ત્યારે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન બહાર આવતાં લોકો ભયભીત છે.
બ્રિટનના વેક્સિન નિષ્ણાત બ્રિટનની આહાર અને ઔષધ સલાહકાર સમિતિના સભ્ય પોલ આફિટે પહેલીએ જણાવ્યું કે, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોવિડ-૧૯ના નવા સ્ટ્રેન મુદ્દે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. આ વાઇરસ ચિંતાજનક એટલા માટે છે કે આ આરએનએસ વાઇરસ છે. તેનું સંક્રમણ ઇનફ્લુએન્ઝા કે મિઝલ્સની ગતિએ ફેલાય છે. ઓછામાં ઓછું એક વર્ષ સતર્ક રહેવું પડશે.
ચીનની વૈશ્વિક ટીકા
કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. અહેવાલો અનુસાર ચીને દુનિયાને કોરોના સંક્રમણ અંગે જણાવ્યું હતું કે, વુહાનમાં કોરોનાના કુલ ૫૦ હજારથી વધુ કેસ મળ્યા હતા. જોકે નવા રિસર્ચ મુજબ આ આંકડો ૧૦ ગણો વધુ હોઈ શકે છે. એટલે કે વુહાનમાં આશરે ૫ લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થયા હતા. આ માહિતી ખુદ ચીનના સ્વાસ્થ્ય વિભાગના રિસર્ચમાં સામે આવી હતી. આ આંકડો સામે આવતાં ચીનની વિશ્વમાં ટીકા થઈ રહી છે.
ઇઝરાયલઃ ૭.૪૪ ટકા વસ્તીને રસી
વિશ્વના ઘણાં દેશમાં કોરોના વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. ઓછા સમયમાં ઝડપથી રસી આપવામાં જોકે ઇઝરાયલ સૌથી આગળ છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં ૭.૪૪ ટકા વસતીને રસી સાથે બહેરીન વિશ્વમાં બીજા સ્થાને છે. ફાઇઝરની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની સૌથી પહેલાં મંજૂરી આપનારું બ્રિટન ૧.૧૮ ટકા વસતીને રસી સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકામાં હજુ ૦.૬૪ ટકા વસતીને જ રસી અપાઇ છે. જોકે, અપાયેલા વેક્સિન ડોઝની દ્દષ્ટિએ અમેરિકા સૌથી આગળ છે ત્યાં ૨૧.૩ લાખથી વધુ ડોઝ અપાયા છે. ચીન ૧૦ લાખ ડોઝ સાથે બીજા ક્રમે છે.
નેપાળે ભારતની મદદ માગી
નેપાળે કોરોના વાઇરસને નિયંત્રિત કરવાના પ્રયાસો વધુ તેજ બનાવવા તેની વસ્તીના ૨૦ ટકા લોકોને રસી આપવા ભારતની મદદ માગી હોવાના અહેવાલ છે. ભારતની રસી બદલ નેપાળ પૈસા પણ ચૂકવશે. તેવું નેપાળે જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓક્સફર્ડની એસ્ટ્રાઝેનેકા અને ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા નિર્મિત સહિત ઓછામાં ઓછી બે કંપનીઓ રસીની ત્રીજી ટ્રાયલ માટે તૈયાર છે.