જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર બુધવારે સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં લીધા છે. રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર આ દરોડાની કાર્યવાહી અને અટકાયત બાદ પ્રમુખ જેકબ ઝુમાએ પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય ગુપ્તાબંધુઓ અને જેકબ ઝુમા સામે લાંબા સમયથી ભ્રષ્ટાચારમાં સાંઠગાંઠના આક્ષેપો થઇ રહ્યા હતા. આ આક્ષેપો સંદર્ભે જ તેમને ત્યાં દરોડા પડાયા હતા.
શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)એ આ આક્ષેપોના પગલે થોડાક સમય પૂર્વે જ જેકબ ઝુમાને પ્રમુખ પદેથી રાજીનામું આપવા ફરમાન કર્યું હતું, પરંતુ આઠ વર્ષથી સરકારનું નેતૃત્વ કરી રહેલા ઝુમાએ તેનું પાલન કર્યું નહોતું. જોકે ગુપ્તાબ્રધર્સને ત્યાં દરોડા અને તેની અટકાયતના થોડાક કલાકોમાં જ ઝુમાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ઝુમાને પ્રમુખપદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે તે જ દર્શાવે છે કે તેની તેમજ તેમના સાથીઓ સામે કાનૂનનો સકંજો મજબૂત થઈ રહ્યો છે.
ભ્રષ્ટાચાર કેસમાં સંડોવણી
ગુપ્તા પરિવારે અયોગ્ય રીતે મહત્વના સરકારી કોન્ટ્રાક્ટો મેળવ્યાનો આરોપ છે. એવું પણ કહેવાય છે કે મંત્રીમંડળમાં થતી નિમણૂકોમાં પણ ગુપ્તા પરિવારનો હસ્તક્ષેપ રહેતો હતો. પોલીસ પ્રવકત્તા હાંગવાની મુલૌદજીએ જણાવ્યું હતું કે ઝુમાના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ટુકડીઓ બુધવારે વહેલી સવારે સેક્સોવર્લ્ડ સ્થિત ગુપ્તા પરિવારના બંગલે પહોંચી હતી. ભારતીય મૂળના અજય, અતુલ અને રાજેશ ગુપ્તા સાઉથ આફ્રિકાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમની સામેનો છેલ્લો કેસ ડેરી ફાર્મમાં ગેરરીતિઓ અંગેનો છે.
‘ગુપ્તાબંધુને દેશમાં કાઢો’
જોહાનિસબર્ગમાં ગુપ્તા મેન્શન તરફ જતા રસ્તાઓને સવારે જ સીલ કરવામાં આવ્યા હતા. હોક પોલીસ એકમ આ રસ્તા સીલ થતાં જ મેન્શનમાં પ્રવેશ્યું હતું. થોડી વારમાં જ એક પોલીસવાન કેટલાંક લોકોને લઈને રવાના થઈ હતી. સાઉથ આફ્રિકાની ટોચની ભ્રષ્ટાચારવિરોધી વોચ ડોગ એજન્સી આક્ષેપ કરી રહી છે કે ગુપ્તા કેબિનેટ નિમણૂકો સુધીની ઘટનાઓમાં વગનો ઉપયોગ કરતા હતા. સ્થાનિક નાગરિકો મેન્શન બહાર ભેગા થઈને કહી રહ્યાં હતાં કે, ‘આખરે કાંઈક થયું ખરું. આ લોકોને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ, પૂરતું નુકસાન કરી ચૂક્યા છે.’ હોક યુનિટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં ન્યાયિક તપાસ થઈ શકે છે. જોકે ઝુમા અને ગુપ્તાબંધુઓ એમ બંને પક્ષ તેમણે કાંઈ ખોટું કર્યું હોવાનો ઇનકાર કરી રહ્યા છે. સાઉથ આફ્રિકા સરકાર હસ્તકના મીડિયાએ પણ ગુપ્તાબંધુઓની ધરપકડ થઈ હોવાના અહેવાલનું પ્રસારણ કર્યું હતું.