યુનિસેફના સાઉથ એશિયા માટેના નવા અંદાજોમાં જણાવાયું છે કે વિશ્વની સૌથી વધુ બાળવધૂ એટલે કે ચાઈલ્ડ બ્રાઈડનું પ્રમાણ સાઉથ એશિયામાં છે. આ વિસ્તારોમાં 290 મિલિયન બાળવધૂ છે જે વિશ્વના કુલ અંદાજના 45 ટકા જેટલું થાય છે. નાણાકીય દબાણો અને કોવિડ-19 મહામારીમાં બંધ રહેલી શાળાઓના કારણે પરિવારોએ તેમની નાની દીકરીઓને પરણાવી દેવાની ફરજ પડી હોવાનું જણાવી યુનિસેફ દ્વારા આ પ્રથાનો અંત લાવવાના મુદ્દે વધુ પ્રયાસો કરવાની હાકલ કરાઈ છે.
એજન્સીએ બાંગલાદેશ, ભારત અને નેપાળમાં 16 સ્થળોએ ઈન્ટરવ્યૂઝ અને ચર્ચાઓ સાથે કરેલા અભ્યાસમાં જણાયું હતું કે કોવિડ લોકડાઉન્સના ગાળામાં અભ્યાસના વિકલ્પો મર્યાદિત હતા ત્યારે ઘણા પેરન્ટ્સના મતે તેમની દીકરીઓના લગ્ન કરાવી દેવાનો વિકલ્પ જ શ્રેષ્ઠ હતો. આ ઉપરાંત, નાણાકીય ભીડના લીધે ઘરમાં ખર્ચ ઓછો થાય તે માટે પણ આ ગાળામાં નાની વયે છોકરીઓના લગ્ન કરાવી દેવાનું વલણ રહ્યું હતું. સ્ત્રીઓ માટે લગ્ન કરવાની કાનૂની વય નેપાળમાં 20 વર્ષ, ભારત, બાંગલાદેશ અને શ્રી લંકામાં 18 વર્ષ તેમજ અફઘાનિસ્તાનમાં 16 વર્ષની છે. પાકિસ્તાનમાં પણ સિંધ પ્રાંતમાં 18 વર્ષ સિવાય લગ્નની કાનૂની લઘુતમ વય 16 વર્ષની છે.
એજન્સીએ જણાવ્યું હતું કે ચર્ચાઓ દરમિયાન, ગરીબીનો સામનો કરવા સામાજિક સુરક્ષાના કાયદા ઘડવા, દરેક બાળકના શિક્ષણના અધિકારનું રક્ષણ, તેમજ સામાજિક ધારાધોરણો જાળવી રાખવાના પ્રયાસો માટે કાયદાના અમલપાલનના પૂરતા માળખા સહિત સંભવિત ઉકેલ વિચારવામાં આવ્યા હતા. યુનિસેફના સાઉથ એશિયા માટેના રીજિયોનલ ડાયરેક્ટર નોઆલા સ્કીનેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘વિશ્વમાં બાળલગ્નોનાં બોજાનું સૌથી વધુ પ્રમાણ સાઉથ એશિયામાં હોવાની હકીકત કોઈ કરુણાંતિકાથી ઓછી નથી. બાળલગ્નના કારણે બાળાઓનો અભ્યાસ બંધ થઈ જાય છે, તેમના આરોગ્ય અને કલ્યાણ જોખમમાં મૂકાય છે તેમજ તેમના ભવિષ્ય સાથે સમાધાન થાય છે. બાળપણમાં એક બાળાના બાળપણમાં લગ્ન થવાની અસર ઘણી છોકરીઓ પર થાય છે.’