સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાઉથ કોરિયા પ્રવાસ બન્ને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને એક નવીન ઊંચાઈએ લઈ ગયો છે. સોમવારે સાઉથ કોરિયા પહોંચેલા મોદીની ઉપસ્થિતિમાં બન્ને દેશો વચ્ચે કુલ સાત સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. જેમાં ડબલ ટેક્સેશન ટાળવા માટેની જોગવાઇનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત સાઉથ કોરિયાએ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસ માટે ૧૦ બિલિયન ડોલરની સહાય આપવાની ખાતરી આપી છે. રાષ્ટ્રપતિ પાર્ક ગુએન-હાઈએ કહ્યું હતું કે સાઉથ કોરિયા ભારતના સ્માર્ટ સિટીના વિકાસ, રેલવે, વીજઉત્પાદન અને અન્ય વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે આર્થિક સહકાર આપશે.
ચીન અને મોંગોલિયા બાદ ત્રણ દેશોની યાત્રાનાં અંતિમ ચરણમાં સાઉથ કોરિયા પહોંચેલા વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ પાર્ક ગુએન-હાઈ સાથે મુલાકાત યોજીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા મંત્રણા કરી હતી. રાષ્ટ્રપતિ પાર્ક સાથેની વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ જણાવ્યું હતું કે, 'અમે દ્વિપક્ષીય સંબંધોને ઉન્નત બનાવીને આ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઇએ લઈ જવા માટે સહમત થયા છીએ.' વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે ભારત પોતાના આર્થિક આધુનિકીકરણમાં સાઉથ કોરિયાને ખૂબ મહત્ત્વપૂર્ણ સહયોગી માને છે. તેમણે કહ્યું કે, 'અમે એક અલગ વ્યવસ્થા 'કોરિયા પ્લસ' બનાવીશું, જેનાથી કોરિયન કંપનીઓને ભારતમાં રોકાણ અને ઉદ્યોગ કરવાનું સરળ બની જશે.'
વિકાસની જડીબુટ્ટી છે: મોદી
રાષ્ટ્રપતિ પાર્ક ગુએન-હાઈ સાથે મુલાકાત પહેલાં વડા પ્રધાન મોદી સાઉથ કોરિયાની ક્યૂંગ-હી યુનિવર્સિટીમાં ભારતીય સમુદાયનાં લોકોને મળવા પહોંચ્યા હતા. અહીં લોકોએ મોદી-મોદીના નારાથી તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને ભારતીય સમુદાયનાં લોકોને સંબોધતાં જણાવ્યું કે, વિકાસનો માર્ગ મુશ્કેલ જરૂર છે, પરંતુ પથ્થરમાંથી પાણી કાઢવાનું જાણું છું. માર્ગ મુશ્કેલ છે, પરંતુ હું વિકાસની જડીબુટ્ટી લઇને નીકળી પડયો છું.
તેમણે કહ્યું કે, પાંચ સભ્યો ધરાવતા ‘બ્રિક્સ’માં આઈનો અર્થ ઇન્ડિયા થાય છે. ભારત ગયા વર્ષ સુધી તેમાં સ્થાન મેળવવા મથામણ કરી રહ્યું હતું પણ ગયા વર્ષથી સંજોગો બદલાઈ ગયાં છે. હવે આઈ એટલે કે ઇન્ડિયાના વિના બ્રિક્સની કલ્પના કરવી મુશ્કેલ છે.
મોદીએ સંબોધનમાં યુપીએ સરકારની ફરી એક વખત વિદેશમાં ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે, પહેલાં નીતિ હતી - લુક ઈસ્ટ એટલે કે પૂર્વ તરફ જુઓ. આપણે પૂર્વ તરફ બહુ જોઈ લીધું, હવે અમારે એક્ટ ઈસ્ટ પોલિસી એટલે કે પૂર્વ પર કામ કરવાનું છે. આ મારી સરકારની વિદેશ નીતિનું મુખ્ય તત્વ છે. ઉલ્લેખનીય છે કે લુક ઈસ્ટ નીતિ ૧૯૯૦ના દાયકામાં નરસિંહ રાવ સરકારે ઘડી હતી અને ત્યારથી તમામ સરકારો તેને અનુસરતી રહી છે.
ભારત-કોરિયા • ૭ કરાર
• ડબલ ટેક્સેશન ટાળવા અને કરચોરી અટકાવવા કરાર • ઓડિયો-વિઝ્યુઅલ નિર્માણસંબંધે આંતરિક સહયોગ • નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ વચ્ચે સહયોગ • વીજઉત્પાદન અને રિન્યુએબલ ઉર્જા ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ • યુવા બાબતો અને રમતગમત વિભાગ વચ્ચે સહયોગ • માર્ગ-પરિવહન અને હાઇવે નિર્માણમાં સહયોગ • સમુદ્રી પરિવહનમાં સહયોગ