દોહાઃ સમગ્ર વિશ્વમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કતારે જાન્યુઆરી ૨૦૧૯થી ઓઇલનું ઉત્પાદન કરતા દેશોનાં સંગઠન OPECમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે.
કતારના ઉર્જાપ્રધાન સાદ-અલ-કાબીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કતાર હવે ગેસનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપવા માગે છે. આથી તેણે OPEC જેવા ઓઇલઉત્પાદક દેશોનું સંગઠન છોડવાનો નિર્ણય લીધો છે. કતારે જાન્યુઆરી ૨૦૧૯થી OPECનું સભ્યપદ પાછું આપવા નિર્ણય લીધો છે. ઓપેકના સભ્ય દેશોને તેની જાણ કરી દેવામાં આવી છે. કતારે જાહેર કર્યું છે કે ઓપેકમાંથી ખસી જવાનો તેનો નિર્ણય રાજકીય નથી. કતાર હવે એલએનજીનાં ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. લાંબા ગાળાની વિકાસ યોજનાના ભાગરૂપે ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તે ઓપેકના નિર્ણયોનું પાલન કરશે.
૧૯૬૧થી સભ્યપદ
ઓપેકની રચનાના એક વર્ષ પછી ૧૯૬૧માં તે ઓપેકનો સભ્ય બન્યો હતો. ૫૭ વર્ષ પછી ઓપેકમાંથી બહાર નીકળનાર તે ઓપેકનો પહેલો સભ્ય દેશ હશે. ઓપેકમાંથી કતારના ખસી જવાથી માર્કેટમાં કોઈ અસર થશે નહીં તેમ નિષ્ણાતોનું માનવું છે.
પડોશી દેશો સાથે તણાવ
કતારના સંબંધો હાલ સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન અને ઇજિપ્ત જેવા પડોશી દેશો સાથેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી તંગદિલીભર્યા છે. આતંકવાદને ટેકો આપવાના મામલે આ દેશોએ કતાર સાથેના વ્યાપારી, આર્થિક તેમજ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે અને જૂન ૨૦૧૭થી કતારનો બહિષ્કાર કર્યો છે. કતારે આતંકવાદને સમર્થન આપતા હોવાના અન્ય દેશોના આક્ષેપો ફગાવ્યા છે અને તેને પોતાનાં સાર્વભૌમત્વ પર આક્રમણ સમાન ગણાવ્યા છે.
ઉર્જાપ્રધાન કાબીએ કહ્યું હતું કે કતાર ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ભવિષ્યમાં ચાલુ રાખશે. અલબત તે હવે ગેસનાં ઉત્પાદન પર વધુ ધ્યાન આપવાનો છે.