સાઉદીએ અમેરિકા સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યોઃ અમેરિકાને આંચકો, પણ ભારતને બહુ મોટો ફાયદો

Wednesday 26th June 2024 06:17 EDT
 
 

દુબઈઃ સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા તરફથી ખસીને ચીન તરફ ઢળી રહ્યું છે. આવા સમયે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને અમેરિકા સાથેનો દાયકાઓ જૂનો પેટ્રોડોલર કરાર ખતમ કરીને ‘અંકલ સેમ’ને મોટો ફટકો આપ્યો છે. સાઉદી અરબના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વેપાર માટે બેઝ કરન્સી તરીકે યુએસ ડોલરનું સ્થાન બદલાતા વૈશ્વિક અર્થતંત્ર પર લાંબા ગાળાની અસરો સર્જશે. વૈશ્વિક નાણાંકીય વ્યવહારમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવતો સાઉદી અરબ અને અમેરિકા વચ્ચેનો પેટ્રોડોલર કરાર 8 જૂને 2024ના રોજ પૂરો થયા પછી સાઉદી અરબે તેને રિન્યુ કરવા ઈન્કાર કર્યો છે. સાઉદી અરબના આ પગલાંથી આ નિર્ણયથી અમેરિકાને ફટકો પડ્યો છે, પણ ભારત સહિતના દેશો માટે ફાયદાકારક પુરવાર થશે. અત્યાર સુધી માત્ર યુએસ ડોલરમાં થતા ક્રૂડ ઓઈલના સોદા હવે યુઆન, રુબલ, રૂપિયા, યેન જેવા વિવિધ દેશોના ચલણોમાં થઈ શકશે.

પેટ્રોડોલર કરાર શા માટે થયો હતો?
અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે વર્ષ 1974ની 8 જૂને પેટ્રોડોલર કરાર થયો હતો. આ કરાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં અમેરિકાના પ્રભુત્વનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. કરાર હેઠળ સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ વિશેષરૂપે યુએસ ડોલરમાં કરવા અને ક્રૂડની આવકમાંથી થતા ફાજલ નાણાંનું યુએસ ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરવા સંમત થયું હતું. બદલામાં અમેરિકાએ સાઉદી અરબને તમામ પ્રકારની સૈન્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં સહાયની ખાતરી આપી હતી. આ કરાર હેઠળ દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનાર સાઉદી અરબ માત્ર ડોલરના ચલણમાં જ ક્રૂડનું વેચાણ કરતું હતું, જેના કારણે વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ડોલરનું પ્રભુત્વ વધ્યું હતું.

પેટ્રોડોલર શું છે?
પેટ્રોડોલર કોઈ ચલણ નથી પરંતુ ક્રૂડ ઓઈલની નિકાસ માટે થતું યુએસ ડોલરનું વિનિમય છે. ક્રૂડ ઓઈલના વેચાણ મારફત ક્રૂડની નિકાસ કરતા દેશો દ્વારા જે યુએસ ડોલરની કમાણી થાય છે તેને ‘પેટ્રોડોલર’ કહેવાય છે. 1970ના દાયકામાં વૈશ્વિક અર્થતંત્રો ને ભૂ-રાજકીય પરિસ્થિતિમાં પેટ્રોડોલરની કલ્પનાએ અમેરિકાનું મહત્ત્વ વધારી દીધું હતું. શરૂમાં 1944માં બ્રેટન વૂડ્સ કરારે વિશ્વની પ્રાથમિક રિઝર્વ કરન્સી તરીકે યુએસ ડોલરને સ્વીકૃતિ આપી હતી. આ કરારના પગલે બીજા વિશ્વ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવી હતી.

સાઉદી રૂપિયામાં પણ પેમેન્ટ લેશે, ભારતને બહુ મોટો ફાયદો
સાઉદી અરેબિયાનો અમેરિકા સાથે પેટ્રોડોલર ડીલ તોડવાનો નિર્ણય ભારતીય અર્થતંત્ર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. સાઉદી અરેબિયા એક સમયે ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર હતું પણ રશિયા પાસેથી ભારતને સસ્તું ક્રૂડ મળવા માંડયું તેથી ભારત હવે રશિયા પાસેથી વધારે ક્રૂડ લે છે. રશિયાનું ક્રૂડ ભારતને સાઉદી સહિતના દેશો કરતાં પ્રતિ બેરલ 6 ડોલર આસપાસ સસ્તું પડે છે એ તો એક કારણ છે જ, પણ રશિયા ભારત પાસેથી ભારતીય ચલણમાં પેમેન્ટ લે છે એ પણ મહત્વનું કારણ છે.
સાઉદી પણ હવે ડોલરના બદલે બીજાં વિદેશી ચલણમાં પેમેન્ટ લેશે ને તેમાં ભારતીય રૂપિયો પણ હશે. સાઉદી ભારતીય રૂપિયામાં પેમેન્ટ લે તો તેમાં તેને કોઈ નુકસાન નથી. સાઉદી અરેબિયામાં લગભગ 24 લાખ ભારતીયો રહે છે. આ ભારતીયો રિયલ એસ્ટેટ અને રિફાઈનરીઓમાં કામ કરે છે. સાઉદી ભારત પાસેથી મળેલા રૂપિયા તેમને પગાર ચૂકવવામાં વાપરી શકશે.
આ સિવાય સાઉદીમાં જબરદસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાઈ રહ્યું છે. નવાં શહેરો બનાવવા અબજો ડોલર ખર્ચાઈ રહ્યા છે. સલમાનના મહત્વાકાંક્ષી નિયોમ સિટી પ્રોજેક્ટ પાછળ જ 500 બિલિયન ડોલર ખર્ચાવાના છે. આ કામમાં મોટા પ્રમાણમાં ભારતીય કંપનીઓ જોડાશે. સાઉદી તેમને પણ રૂપિયામાં ચૂકવણી કરી શકશે.
અત્યારે ભારતની સાઉદીમાંથી આયાત 42 બિલિયન ડોલરની આસપાસ છે જ્યારે નિકાસ 11 બિલિયન ડોલરની આસપાસ છે. ભારતીય રૂપિયા ખર્ચવા માટે સાઉદી ભારતમાં મોટા પાયે રોકાણ પણ કરશે તેથી દેશના અર્થતંત્રને ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter