રિયાધઃ માનવ અધિકારને મુદ્દે વારંવાર ટીકાનો ભોગ બની રહેલા દેશ સાઉદી અરબે હવે પોતાની છબિ સુધારવા માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. સાઉદીમાં હવે કોર્ટ કોરડા ફટકારવાની સજા નહીં કરે. આ સજાની જોગવાઈ તાજેતરમાં નાબૂદ કરાઈ છે. અગ્રણી ચળવળકાર અબદુલ્લા અલ હામિદનું મૃત્યુ થયા પછી આ પગલું લીધું છે. સાઉદીની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોરડા ફટકારવાની સજાને જેલવાસ કે દંડમાં તબદીલ કરાશે. કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય તે કિંગ સલમાન અને તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સે માનવ અધિકાર સુધારાની દિશામાં કરેલી પહેલનો ભાગ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, દેશને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની હરોળમાં લાવવા કોરડા ફટકરાવાની સજા નાબૂદ કરવામાં આવી છે. સાઉદી કોર્ટ દ્વારા ઘણી વાર ગુનેગારને સેંકડો કોરડા ફટકારવાની સજા થતી. માનવ અધિકાર જૂથો તે સજાનો વિરોધ કરતા રહેતા હતા.