મેલબર્નઃ આપણે સહુ સસલાં અને કાચબાની વાર્તા જાણીએ છીએ, જેમાં કાચબો સ્પર્ધા જીતી જાય છે. આ વાર્તાને બાજુ પર રાખીને વાસ્તવિક વાત કરીએ તો દુનિયાભરમાં કાચબા આવા વિવિધ વિક્રમો નોંધાવતા રહે છે. આ સાથેની તસવીરમાં દેખાય છે એ કાચબી યોશીએ સમુદ્રમાં ૩૭,૦૦૦ કિલોમીટરની સફરનો રેકોર્ડ સર્જ્યો છે. કાચબી સાથે લગાડેલા ટ્રેકર દ્વારા તેની સમગ્ર સફરનો નક્શો સંશોધકો તૈયાર કરી શક્યા હતા અને વિક્રમજનક અંતર કાપ્યું હોવાની જાણ મેળવી શક્યા હતા.
૧૮૦ કિ.ગ્રા. વજન ધરાવતી યોશીને સંશોધકોએ ૨૦૧૭ની ૧૬મી ડિસેમ્બરે સાઉથ આફ્રિકાના કેપટાઉનના કાંઠેથી સમુદ્રમાં તરતી મૂકી હતી. એ પછી રોજના સરેરાશ ૪૮ કિલોમીટરનું અંતર કાપીને હવે ૨૬ મહિનાને અંતે એ કાચબી ઓસ્ટ્રેલિયાના કાંઠે પહોંચી છે.
આ યાત્રા માત્ર લાંબા અંતરની નથી, દિશાશોધન (નેવિગેશન)ની પણ છે કેમ કે કાચબી યોશીનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા જ છે. તેને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા લાવવામાં આવી હતી. અહીં ૨૦ વર્ષ સુધી એક્વેરિયમમાં રાખ્યા પછી સમુદ્રમાં તરતી મુકાઈ હતી. એ વખતે ચો-તરફ ફેલાયેલા સમુદ્રમાં ક્યાંય ભૂલા પડવાને બદલે યોશીએ પોતાના વત તરફનો રસ્તો માપ્યો હતો. વિજ્ઞાનીઓના મતે યોશી અહીં ઈંડા મૂકશે.