સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના સમર્થનમાં રેલી

Wednesday 19th July 2023 08:35 EDT
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ 14 જુલાઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સામે વિશાળ શાંતિ રેલી યોજીને ભાગલાવાદી પરિબળોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં ભાગલાવાદીઓએ કોન્સ્યુલેટની બહાર તોડફોડ કરી હતી. તેમજ ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે ગયા રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. તેના જવાબમાં આ રેલી યોજવામાં આવી હતી.

અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવતું ભારત
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલી તોડફોડ અંગે ભારતે ગયા સોમવારે દિલ્હીમાં યુએસ એમ્બેસેડર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી સરકારે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 42 લાખ લોકો રહે છે. ભારતીય મૂળના લોકો (3.18 મિલિયન)ની વસ્તી સાથે અમેરિકામાં ત્રીજો સૌથી મોટો એશિયન વંશીય સમુદાય છે.

તિરંગા સાથે અમેરિકી ધ્વજ લહેરાયો
ભારતીય-અમેરિકનોએ ભાગલાવાદી શીખોની વિનાશક પ્રવૃત્તિઓની ટીકા કરી હતી. આ દરમિયાન કેટલાક ભાગલાવાદી શીખો પણ ત્યાં હાજર હતા. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર હતી. કેટલાક ભાગલાવાદી શીખોએ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ ‘વંદે માતરમ’ના નારા લગાવીને અને અમેરિકાની સાથે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેમને ચૂપ કરી દીધા હતા. ભારતીય-અમેરિકનો ભારતની તરફેણમાં પ્રચંડ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તાજેતરના મહિનાઓમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, જેમણે આ દેશોમાં કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરી છે.

ખાલિસ્તાનીઓએ કર્યો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા દેખાવકારોએ પોલીસ દ્વારા મુકાયેલા અસ્થાયી સુરક્ષા અવરોધોને તોડી નાખ્યા હતા અને કોન્સ્યુલેટ પરિસરમાં બે ખાલિસ્તાની ધ્વજ લગાવી દીધા હતા. જોકે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ભારત સાથે એકતા દર્શાવવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનોએ સાન ફ્રાન્સિસ્કો અને તેની આસપાસ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter