નવી દિલ્હીઃ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ગયા માર્ચમાં થયેલા હુમલાના 10 મુખ્ય આરોપીઓની તસવીરો ભારતની ટોચની તપાસનીશ સંસ્થા એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા જાહેર કરાઇ છે. એનઆઇએ દ્વારા આ વોન્ટેડ ખાલિસ્તાની આરોપીઓ અંગે લોકો પાસે માહિતી માંગી છે, જેથી તેમની ધરપકડ કરી શકાય. એનઆઈએની નોટિસમાં એમ પણ જણાવાયું છે કે આ આરોપીઓની ઓળખ કે જાણકારી પૂરી પાડનાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવશે નહીં.
એનઆઈએની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2023માં વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાના આ 10 આરોપીઓ અંગે જો કોઇની પાસે જાણકારી હોય તો તે આપવાનો અનુરોધ કરાયો છે. એનઆઇએ દ્વારા આ સાથે કેટલાક ટેલિફોન નંબર અને ઈમેઇલ આઈડી પણ શેર કરાયા છે, તેના પર આરોપીઓ અંગેની માહિતી આપી શકાશે.
એનઆઈએના કહેવા અનુસાર 18 અને 19 માર્ચની મધ્યરાત્રે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો. આ દરમિયાન કથિત રીતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ વાણિજ્ય દૂતાવાસમાં ઘુસીને આગ લગાવવાની કોશિશ કરી હતી, તેમજ વાણિજ્ય દૂતાવાસ પરિસરમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. આ દરમિયાન પરિસરમાં તોડફોડ પણ કરાઈ અને ભારતીય અધિકારીઓ પર હુમલો કરીને તેમના ઘાયલ કરવામાં આવ્યા હતા.