ન્યૂ યોર્કઃ વ્હોટ્સઅપની ટેકનિકલ ટીમના નામે કેટલાક લોકોને મેસેજ આવવા લાગ્યા છે. આ મેસેજ હકીકતે ફોન હેક કરવા માટેની લિન્ક છે. એ મેસેજ આવે સાથે સાથે એસએમએસ દ્વારા છ નંબરનો એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. આ મેસેજને કોડ જોઈને લોકોને એવું જ લાગે કે એ વ્હોટ્સઅપ તરફથી આવ્યો છે કેમ કે તેનો દેખાવ એ પ્રકારે જ રખાયો છે. જોકે હકીકત એ છે કે વ્હોટ્સઅપ દ્વારા આવું કોઈ વેરિફિકેશન કરાતું નથી.
ટેકનોલોજીના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આવા મેસેજનો જવાબ આપવો નહીં કેમ કે તમે જવાબ આપશો એ પછી તમારો ફોન હેક થઈ શકે છે અને બીજું કોઈ તમારા નંબર પર રજિસ્ટર થયેલું વ્હોટ્સઅપ વાપરી શકે છે. આથી મેસેજ મેળવનારને એવું લાગે છે કે તમારા નંબર પરથી મેસેજ આવ્યો છે, જે હકીકતે હેકર્સે મોકલ્યો હશે.
બીજી તરફ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડને ચીની સ્પાયવેર એટલે કે જાસૂસી કરતી એપ દ્વારા ટાર્ગેટ કરાઇ છે. રિસર્ચ ટીમના કહેવા પ્રમાણે અંદાજે ૧૦ કરોડ એન્ડ્રોઇડ ડિવાઈસમાં આ સ્પાયવેર ઈન્સ્ટોલ થઈ ગયો છે. સ્પાયવેરનું કામ ફોનમાં પ્રવેશ કરીને ફોનની જાસૂસી કરવાનું છે. એટલે કે ફોનમાં રહેલા ફોટો-વીડિયો, અન્ય માહિતી, બેન્કિંગની વિગતો પણ સ્પાયવેર થર્ડ પાર્ટીને મોકલી શકે અને તેની ફોનધારકને જાણ પણ નથી થતી.
આ સ્પાયવેર ચાઈનિઝ વીડિયો એપ કંપની વિવાવીડિયો દ્વારા તૈયાર કરાયો છે. આ એપ પહેલેથી જ વિવાદાસ્પદ છે. ભારત સરકારે ૨૦૧૭માં જે શંકાસ્પદ ૪૦ એપનું લિસ્ટ જાહેર કર્યું હતું તેમાં વિવાવીડિયો પણ સામેલ હતી.