દુબઈઃ આશરે પચાસ વર્ષ પૂર્વે વિખુટા પડેલા ત્રણ ભાઇ-બહેનનો હવે તેઓ જૈફ વયે પહોંચ્યા છે તેઓ યુનાઇટેડ આરબ અમિરત (યુએઇ)ના પાટનગર અબુ ધાબીમાં મળ્યા હતા. જેમાં ૭૬ વર્ષીય હમઝા સરકાર ૪૮ વર્ષ પૂર્વે ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા. તેઓ પોતાના ભાઈ ટી.પી. મામ્મીકુટ્ટી (૭૫) અને બહેન ઇપાથુ (૮૫)ને અબુધાબીમાં ૫૦ વર્ષે મળતા હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયું હતું.
મામ્મીકુટ્ટી અને ઇપાથુ ભારતના કેરળમાં રહે છે. હમઝા સરકાર પ્રવાસના શોખીન હતા. ૧૧ વર્ષની વયે ૧૯૫૧માં તેઓ પ્રથમ ભાગી ગયા હતા. મામ્મીકુટ્ટીએ કહ્યું હતું કે એક વાર અમારા માતાએ તેમને પશુ ચરાવવા સીમમાં મોકલ્યા ત્યંથી તેઓ પરત જ આવ્યા નહીં. તેઓ કોલકતા જતી ટ્રેનમાં ચડી ગયા. ત્યાંથી તેઓ બાંગ્લાદેશ ગયા, જે ત્યારે પૂર્વ પાકિસ્તાન હતું. ત્યાંથી તેઓ કરાચી ગયા. ૧૯૬૮માં ૧૮ વર્ષ બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા.
હમઝા સરકારના મતે, તેમણે ત્યારે જીવના જોખમે રાજસ્થાન સરહદેથી પ્રવેશ કર્યો હતો. હું સતત ત્રણ અઠવાડિયા ચાલ્યો અને છેલ્લે હૈદરાબાદની બસ મેળવી શકયો. મેં મારી માતાને પત્ર લખ્યો. તેમણે મને કેરળની ટ્રેન ટિકિટના પૈસા મોકલ્યા. તે ભારતમાં રહેશે તેવી આશાથી તેમના પરિવારે તેમને કરિયાણાની દુકાન કરી દીધી, પણ નવ મહિના પછી માલ ખરીદવાને બહાને હમઝા સરકાર ફરી રવાના થઇ ગયા. બસ છેલ્લે અમે તેમને ત્યારે જોયેલા. મારી માતા તેમનો ફોટો ઓશિકા નીચે રાખતા અને તેમની યાદમાં રોતા રહેતા હતા.
૪૮ વર્ષે સરકારની પુત્રી અસિયા અને મામ્મીકુટ્ટીનો ૨૩ વર્ષીય પુત્ર નાદિરશાહ ફેસબુક પર મળ્યા અને પરસ્પર પરિચય બાદ પરિવારને મેળવ્યો. સરકારનું કહેવું છે કે મને આશા ન હતી કે હું મારા પરિવારને આ જન્મમાં મળી શકીશ. આ ક્ષણની મેં ઘણી રાહ જોઈ છે. હવે હું તેમને છોડવા કે પાકિસ્તાન જવા ઇચ્છતો નથી.