લંડનઃ બ્રિટિશ સરકાર સામે બ્રેક્ઝિટ પછી સિંગલ માર્કેટના સભ્યપદ મુદ્દે કાનૂની પડકાર ઉભો થવાની શક્યતા છે. વકીલો દાવો કરે છે કે જૂન રેફરન્ડમમાં લોકોને બ્રિટને ઈયુ છોડવું કે નહિ તે જ પ્રશ્ન કરાયો હતો. તેમાં આર્થિક સુવિધાના જટિલ મુદ્દા વિશે કશું કહેવાયું ન હતું. યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA)માં બ્રિટન રહે કે નહિ તેમાં પાર્લામેન્ટનો અવાજ હોવો જોઈએ કે નહિ તેવી દલીલો કાનૂની પડકારમાં ઉઠાવાશે.
સરકાર ઈયુ છોડવાની પ્રક્રિયાના મુદ્દે આ બીજા પડકારનો સામનો કરશે, જેમાં નોર્વે જેવા અન્ય બિન-ઈયુ દેશોની માફક યુકે EEAમાં રહી શકે તેવો અવાજ ઉઠાવવાની સત્તા પાર્લામેન્ટ પાસે હોવી જોઈએની રજૂઆત કરાશે. અગાઉના પડકારમાં હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે માત્ર પાર્લામેન્ટ પાસે જ બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવાની સત્તા છે. આ ચુકાદા સામે સરકારની અપીલની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થનાર છે.
બ્રિટિશ ઈન્ફ્લુઅન્સના ડેપ્યુટી ડિરેક્ટર જોનાથન લિસ દ્વારા ન્યાયિક સમીક્ષાની માગણીની યોજના છે. તેમણે કહ્યું હતું કે સિંગલ માર્કેટનો મુદ્દો જનમતના મતપત્ર પર ન હતો. સિંગલ માર્કેટને છોડવાથી અર્થતંત્ર પર ખરાબ અસર પડશે. સરકાર પાસે સિંગલ માર્કેટમાં રહેવાની તક હોવા છતાં તે નકારી રહી છે. બીજી તરફ, ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને જણાવ્યું હતું કે કાનૂની પડકારથી બ્રેક્ઝિટ પ્રક્રિયા વિલંબમાં નહિ પડે.