વોશિંગ્ટનઃ અમેરિકન મીખી ફરેરા પ્રોચેઝે સિંગાપોરના આશરે ૧૪ હજાર એચઆઇવી પોઝિટિવ નાગરિકોનાં બધા જ ડેટા મેળવીને તેમનાં નામ લીક કરી દીધાં હતાં. એ પછી તેણે સિંગાપોર પ્રશાસનને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તે ઝડપાઇ ગયો હતો અને બાદમાં તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે ૩૦મીએ તેને ૨૪ મહિનાની કેદની સજા ફટકારી છે. જે ડેટા લીક કરવામાં આવ્યા છે તેમાં ૫૦ અમેરિકી નાગરિકો પણ છે, જેને પગલે અમેરિકાએ પણ આ અપરાધી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કોર્ટે સાથે આ અપરાધીને આદેશ આપ્યો છે કે તે પોલીસને ઇમેલ અને અન્ય સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટની બધી જ વિગતો આપી દે નહીં તો તેની સજામાં વધારો કરવામાં આવશે.
આ પહેલા સિંગાપોર સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ અપરાધીએ જે ડેટા લીક કર્યાં હતાં તેમાં ૨૦૧૩ સુધીમાં ૫૪૦૦ સિંગાપોરના નાગરિકોનો સમાવેશ થાય છે જ્યારે ૮૮૦૦ વિદેશી નાગરિકો છે. જોકે આ અપરાધીને જે સજા આપવામાં આવી છે પૂરી થઇ ગયા બાદ પણ તેના પર ત્રણ વર્ષ સુધી નજર રાખવામાં આવશે. એવી શક્યતાઓ છે કે તે સજા પૂરી થઇ ગયા બાદ પણ તેની પાસે જે અન્ય વ્યક્તિઓના ડેટા છે તેને લીક કરી શકે છે. તેથી તેના પર ઓનલાઇન પણ નજર રાખવામાં આવશે.
તેની પાસે આ ડેટા આવ્યા કેવી રીતે અને ક્યાંથી તેની કોઇ જ માહિતી મળી શકી નથી. કેટલાક દેશોમાં એચઆઇવી પોઝિટિવ નાગરિકોના નામ જાહેર કરવા પર પ્રતિબંધ છે. તેની અનુમતી વગર તેના નામ જાહેર ન કરી શકાય. આ કાયદા અને નિયમોનો ભંગ કરવા બદલ સજા પણ થઇ શકે છે.