સિંગાપોરઃ સિંગાપોરમાં છેડતીનો ભોગ બનેલી એક મહિલાના નિવેદન સાથે ચેડા કરી ખોટું નિવેદન લખનારી એક ભારતીય મહિલા પોલીસ ૩૮ વર્ષની સ્ટાફ સાર્જન્ટ કલાઇવાણી કાલીમુથ્થુને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ખોટું નિવેદન કરવાના કારણે પીડિતા સામે પણ ખોટી માહિતી આપવાનો આરોપ લગભગ મુકાઇ ગયો હતો. પીડિતાના કેસમાં તપાસ કરી રહી હતી ત્યારે કલાઇવાણી કાલીમુથ્થુએ આ ચેડા કર્યાં હતાં.
પીડિતાએ માર્ચ ૨૦૧૬માં ફરિયાદ લખાવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક પુરુષે તેની છેડતી કરી હતી અને બળાત્કારનો પણ પ્રયાસ કર્યો હતો. આ કેસની તપાસ કાલીમુથ્થુને સોંપાઇ હતી જેણે પીડીતાને બોલાવી હતી, પરંતુ ઇન્ટરવ્યુ લઇ શકી નહોતી. કાલીમુથ્થુને આ કેસ ઝડપથી પૂરો કરવાની ઉતાવળ હોવાથી તેણે પીડિતાના નિવેદનમાં ચેડા કર્યાં હતાં. તેણે પીડિતાની ગેરહાજરીમાં જ નવેમ્બરમાં પોલીસ વિભાગે આપેલા લેપટોપમાં આ નિવેદન નોંધ્યું હતું.