નવી દિલ્હીઃ સિક્કિમમાં મુગુથાંગથી આગળ ભારત અને ચીનની સરહદ પર આવેલા નાકુલા પાસ ખાતે ૯મી મેએ ભારત અને ચીનના ૧૫૦થી વધુ સૈનિકો સામસામે આવી ગયા હતા. સમુદ્રની સપાટીથી ૫૦૦૦ મીટરની ઊંચાઇએ આવેલા નાકુલા પાસ ખાતે ભારત અને ચીન વચ્ચેની સરહદ અનિશ્ચિત હોવાથી ટકરાવ સર્જાયો હતો અને જોતજોતામાં અથડામણ છૂટા હાથની મારામારીમાં તબદીલ થઇ ગઇ હતી. બંને પક્ષના જવાનોએ એકબીજા પર મુક્કા વરસાવ્યા હતા ભારતના ચાર અને ચીનના સાત સૈનિકોને ઇજાઓ થઇ હતી. જોકે સ્થાનિક સ્તરે યોજાયેલી બેઠક બાદ સંઘર્ષ નિવારી શકાયો હતો.
ચીનના પેટમાં તેલ રેડાયું
નિષ્ણાતોના મતે સિક્કિમમાં ચીન સાથે ભારતના સૈનિકોની અથડામણ ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ભારતે લીધેલાં પગલાં સાથે સંકળાયેલી છે. ચીની રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે પીઓકેના ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાંથી પસાર થતો ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઝડપથી પૂરો થાય.
ભારતે હવે ગિલગિટ અને બાલ્ટિસ્તાન અંગે હવામાનના રિપોર્ટ જારી કરવાનો પ્રારંભ કરીને વિશ્વને વધુ એક મજબૂત સંકેત આપ્યો છે કે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરના પ્રદેશો ભારતના અખંડ કાશ્મીરનો હિસ્સો છે. જેના કારણે પાકિસ્તાનના પેટમાં તો તેલ રેડાયું છે. સિક્કિમ સરહદે તંગદિલી પછી ચીને કહ્યું હતું કે, અમારા સૈનિકો શાંતિ જાળવા પ્રતિબદ્ધ છીએ. ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, તેના સૈનિકો શાંતિ જાળવી રાખશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ નિવેદન આપ્યું હતું.
ચીને ભારતથી ૬૮૪ કિ.મી.ના અંતરે કૃત્રિમ ટાપુ બનાવ્યો
ચીને એક તરફ દક્ષિણ ચીની સમુદ્રમાં પગપેસારો શરૂ કર્યો છે, બીજી તરફ હિંદ મહાસાગરમાં પક્કડ મજબૂત કરવાના પ્રયાસો પણ શરૂ કર્યાં છે. તેના ભાગરૂપે માલદીવની નજીક ચીને કૃત્રિમ ટાપુ બનાવવાનું કામ આદર્યું છે. ભારતથી ૬૮૪ કિલોમીટરના અંતરે માલદીવની જળસીમામાં ચીને કૃત્રિમ ટાપુ બનાવવાનું કામ શરૂ કર્યું છે.
ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડીટ્રેસ્ફા સેટેલાઈટ ઈમેજના આધારે આ ખુલાસો થયો હતો.
સેટેલાઈટ ઈમેજમાં જણાતું હતું એ પ્રમાણે ચીને માલદીવની નજીક અને ભારતથી ૬૮૪ કિલોમીટર દૂર ટાપુ બનાવવાનું શરૂ કર્યું છે. ચીને ૨૦૧૬માં જ આ વિસ્તારવાદી નીતિનો પાયો નાંખી દીધો હતો.
માલદીવના ભારત વિરોધી પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીન પાસેથી ૨૦૧૬માં ચીની કંપનીઓએ ૧૬ ટાપુ લીઝથી ખરીદ્યા હતા. હવે ચીન આ ટાપુઓની નજીક મોટા પાયે કૃત્રિમ ટાપુ બનાવીને હિંદ મહાસાગરમાં તેની શક્તિ વધારવાની પેરવી કરી રહ્યું છે.