મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ૪૧ વર્ષીય ભારતીય મહિલા આઇટી કન્સલ્ટન્ટની ગત સપ્તાહે ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રભા અરુણકુમાર નામની મહિલા પર તેના ઘરેથી ફક્ત ૩૦૦ મીટરના અંતરે હુમલો કરાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ભયાનક હુમલાની તપાસ થઇ રહી છે.
સિડનીના પરા વેસ્ટમીડમાં હુમલો થયો ત્યારે પ્રભા અરુણકુમાર ફોન પર તેના પતિ સાથે વાત કરતી હતી. હુમલાખોરે હુમલો કર્યા બાદ પ્રભાના છેલ્લા શબ્દો હતા, હિ સ્ટેબ્ડ મી ડાર્લિંગ...પ્રભા તે સમયે નોકરી પરથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી. પ્રભા એક વ્યક્તિને પેરામટ્ટા પાર્ક ખાતે લોહીના ખાબોચિયાંમાં પડેલી મળી આવી હતી. પેરામટ્ટા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વેયન કોક્સે જણાવ્યું હતું કે પ્રભા પર હુમલો કરાયો તે પહેલાં તે સ્ટેશન છોડીને આર્ગેલ સ્ટ્રીટ પર પહોંચી હતી. પેરામટ્ટા પાર્ક ખાતે તેના પર કોઇ અજાણી વ્યક્તિ દ્વારા હુમલો કરાયો હોવાની શંકા છે.
ઓસ્ટ્રેલિયાની સરકારે પ્રભાની હત્યાની તપાસ વિશેષ ડિટેક્ટિવ ટીમને સોંપી છે. ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે પ્રભાકુમારની હત્યાના સમાચાર જાણીને મને ઘણું દુઃખ થયું છે. ભારતીય દૂતાવાસ સતત પ્રભાની કંપનીના સંપર્કમાં છે અને અમે તમામ સહાય કરીશું.