ટાર્ટુસ (સિરિયા)ઃ યુદ્ધગ્રસ્ત સિરિયાના ટાર્ટુસ શહેરમાં વસતાં અસરગ્રસ્ત લોકોનું જીવનધોરણ સુધારવા, તેમને સાહિત્ય સાથે જોડવા પુસ્તકોનું કિઓસ્ક શરૂ કરાયું છે. દુનિયાભરમાં ભલે લોકો માટે પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ હોય, પણ સિરિયાના લોકો માટે પુસ્તકો લક્ઝરી બની ગયા છે. યુદ્ધમાં ઘણા પ્રિન્ટિંગ હાઉસ ધ્વસ્ત થઇ જવા ઉપરાંત અગણિત બુક શોપ્સ પણ બંધ થઇ ગઇ. સિરિયાએ એવા બુદ્ધિજીવીઓ-લેખકોને હિજરત કરતા જોયા કે જેઓ એક સમયે તેમના પ્રાદેશિક સાંસ્કૃતિક પ્રભાવ માટે જાણીતા હતા. હવે બાળકોથી માંડીને વૃદ્ધોમાં પુસ્તકો પ્રત્યે લગાવ ફરી વધારવા કિઓસ્ક મુકાયું છે, જેથી સાહિત્ય પ્રત્યે લગાવ ફરી વધી શકે. આ જગ્યા શહેરમાં જાણીતા હેંગઆઉટ પ્લેસીસ પૈકી એક બની ચૂકી છે.
15 પેજ વાંચે તેને કોફી ફ્રી
કિઓસ્ક ચલાવતા મોહમ્મદ ઝહીરનું કહેવું છે કે અહીં યુદ્ધ જેવી સ્થિતિ જોઇ ચૂકેલા લોકો માટે આ કિઓસ્ક થેરપીથી કમ નથી. પુસ્તકોના પાનાં પલટાવીને મને યુદ્ધની ભયાવહતા દૂર કરવામાં મદદ મળી છે. મને લાગે છે કે સિરિયાના નાગરિકોને આની ખૂબ જ જરૂર છે. તેમના મગજમાંથી યુદ્ધની યાદો દૂર કરવા કામ કરી રહ્યો છું. જે લોકો કિઓસ્ક પર બેસીને કોઇ પુસ્તકના 15થી વધારે પેજ વાંચે છે તેમને ફ્રીમાં કોફી પીવડાવવામાં આવે છે.
હજારો વાચકોએ લાભ લીધો
ઝહીરના જણાવ્યા અનુસાર કિઓસ્ક પર સૌથી નાની વયનો વાચક 12 વર્ષનો અમર અલી છે, જે અહીં પુસ્તકો વાંચવા નિયમિતપણે આવે છે. ઝહીર શક્ય તેટલા વધારે વિઝિટર્સને બુક્સ ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કેટલાક વિઝિટર્સ બુક્સ ઘરે વાંચવા માટે પણ લઇ જાય છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ વાચકો કિઓસ્કનો લાભ લઇ ચૂક્યા છે.