વોશિંગ્ટન: અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ૧૪મી એપ્રિલે સવારે સીરિયાની રાજધાની દમાસ્કસને લક્ષ્યાંક બનાવીને મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા. સીરિયાનાં ગૃહયુદ્ધમાં પ્રમુખ બશર અલ અસદ સામે પશ્ચિમના દેશો દ્વારા હાથ ધરાયેલો આ સૌથી મોટો હુમલો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની સેનાઓએ દમાસ્કસ અને આસપાસના વિસ્તારો પર શનિવારે ૧૦૩ મિસાઇલ છોડયાં હતાં. દસેક દિવસ પહેલાં સીરિયન દળો દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાયેલા રાસાયણિક હુમલામાં ૬૦ લોકોનાં મોત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૩મી એપ્રિલે મોડી રાત્રે વ્હાઇટહાઉસ ખાતેથી લશ્કરી પગલાંની જાહેરાત કર્યાના થોડા જ સમયમાં સીરિયાની રાજધાની દમાસ્કસ વિસ્ફોટોથી ધણધણી ઊઠી હતી. બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે, બ્રિટન અને ફ્રાન્સ પણ આ હુમલામાં જોડાયા છે.
નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, ૧૪મી એપ્રિલે વહેલી સવારે દમાસ્કસમાં ૬ ભયાનક વિસ્ફોટ સંભળાયા હતા. સીરિયાની રાજધાનીમાંથી ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાતા હતા. દમાસ્કસના બારજાહ જિલ્લામાં પણ હવાઈ હુમલાને કારણે વ્યાપક નુકસાન થયું હતું. બારજાહ સીરિયાના વૈજ્ઞાનિક સંશોધનોનું કેન્દ્ર છે. અમેરિકી સેનાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ જોસેફ ડનફોર્ડે જણાવ્યું હતું કે, સીરિયાનાં રાસાયણિક શસ્ત્રોનાં સ્થાનોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં હતાં. નાગરિક વિસ્તારોને અસર ન થાય તે રીતે ચોકસાઇ રાખીને આ હુમલા કરાયા હતા.
બીજી તરફ રશિયન સેનાએ જણાવ્યું હતું કે, અમેરિકાનાં નેતૃત્વમાં કરાયેલા હવાઈ હુમલાઓને સીરિયાની સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમે ૧૦૩માંથી ૭૧ ક્રૂઝ મિસાઇલને અધવચ્ચે જ આંતરીને નિષ્ફળ બનાવી દીધી હતી. હાલ દમાસ્કસ અને સીરિયાનાં અન્ય શહેરોમાં સ્થિતિ શાંત છે. પશ્ચિમી દેશોના હુમલામાં સીરિયાના નાગરિકો કે સેનાની કોઈ જાનહાનિ થઈ નથી.
સીરિયામાં છેલ્લાં સાત વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ૨૦૧૫માં આ યુદ્ધમાં અસદને રશિયાએ સમર્થન આપ્યું હતું. અમેરિકા અને સાથી દેશો દ્વારા કરાયેલા આ સૌથી મોટા લશ્કરી હુમલા બાદ હવે ફરી એક વાર અમેરિકા એન્ડ કંપની તથા રશિયા સામસામે આવી ગયાં છે.
ઇઝરાયેલે જણાવ્યું હતું કે, સીરિયા પરનો હુમલો ઈરાન, સીરિયા અને હિઝબુલ્લાહને મહત્ત્વનો સંદેશો છે. તુર્કીના વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે, અમે સીરિયા પરના હુમલાને આવકારીએ છીએ. ડચ વડા પ્રધાન માર્ક રૂત્તેએ જણાવ્યું હતું કે, રાસાયણિક હુમલો ગંભીર અપરાધ છે, જે ક્યારેય સ્વીકારી શકાય નહીં. ૩ નાટો દેશો દ્વારા કરાયેલો હુમલો સમજી શકાય તેવો છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે, દૌમામાં થયેલા રાસાયણિક હુમલાનો આ જરૂરી અને યોગ્ય જવાબ હતો. યુરોપિયન સંઘે જણાવ્યું હતું કે, સીરિયા પર વધુ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે.