બૈરુત: સીરિયામાં મંત્રણાઓ બંધ થતાં જ ફરી હવાઈહુમલાઓ શરૂ થયા છે. આઠમી એપ્રિલે આવા જ એક સંદિગ્ધ કેમિકલ એટેકમાં સીરિયામાં ૭૦ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલો છે. આ હુમલા માટે રશિયા અને અમેરિકા એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અમેરિકા આ કેમિકલ એટેક માટે રશિયાને જવાબદાર ગણે છે જ્યારે રશિયાએ અમેરિકાના આક્ષેપો ફગાવીને અમેરિકાએ જ હુમલો કરાવ્યો હોવાના આરોપો મૂક્યા છે. આ કેમિકલ એટેક સીરિયાના પૂર્વી ગોતા ખાતે બળવાખોરોનો કબજો ધરાવતા છેલ્લાં શહેર ડૌમામાં થયો હતો, જેમાં ૭૦ લોકો મોતને ભેટયાં હતાં. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
૭૦નાં મોતની પુષ્ટિ
ડોકટરો અને નર્સો તેમજ બચાવ ટુકડીનાં સભ્યોનાં જણાવ્યા મુજબ આ ઘટનામાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરાયો હોવાનું મનાય છે. ગોતા મીડિયા સેન્ટરે જણાવ્યું હતું કે, આ હુમલામાં મૃતકોનો આંક મોટો છે. હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હુમલાખોરોએ હેલિકોપ્ટરથી રાસાયણિક શસ્ત્રો ધરાવતા બેરલબોંબ આ સ્થળે ફેંક્યા હોવાના પ્રાથમિક અહેવાલો છે. યુએસની ચેરિટી સંસ્થા યુનિયન મેડિકલે કહ્યું હતું કે, દમિશ્ક રૂરલ સ્પેશ્યાલિટી હોસ્પિટલે ૭૦ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
સીરિયાએ આરોપો નકાર્યા
સીરિયા સરકાર દ્વારા આવા આરોપો ફગાવવામાં આવ્યા છે. આતંકવાદીઓનાં ગઢમાં જ તેમની સામે લડવા માટે સૈન્ય આગળ વધી રહ્યું છે ત્યારે તેને અવરોધવામાં આવી રહ્યા છે સીરિયાની આરબ સેનાને બળવાખોરો સામે લડવા આવા રસાયણિક હથિયારોની જરૂર જ નથી, તેવું સમાચાર સંસ્થા સનાએ જણાવ્યું છે. અમેરિકાના અધિકારીએ નવમીએ કહ્યું હતું કે સીરિયા અગાઉ પણ આવા રસાયણિક હથિયારોનો ઉપયોગ કરી ચૂક્યો છે તેથી તેના માટે આવી ઘટના નવી નથી. શક્ય છે કે સીરિયા પોતે પોતાના સકંજામાં ફસાયું હોય.
સીરિયા એરબેઝ પર હુમલો
સીરિયામાં કથિત રાસાયણિક હુમલા બાદ એક એરબેઝ પર મિસાઇલ હુમલો થયો છે. તેમાં ઇરાની સૈનિક સહિત ૧૪ લોકો માર્યા ગયા છે. સરકારી મીડિયા મુજબ ટી-૪ એરબેઝ પર આઠ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા પાછળ અમેરિકાનો હાથ હોવાનું જણાવાયું છે કારણ કે ડુમા શહેરમાં કેમિકલ હુમલા બાદ અમેરિકાએ કહ્યું હતું કે આ હુમલા માટે રશિયા અને સીરિયાનું સૈન્ય જવાબદાર છે અને તે તેનો બદલો લઈને રહેશે. સીરિયાના રાષ્ટ્રપતિના સૌથી મોટા સહયોગી રશિયાએ આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનું જણાવ્યું છે.