ખાર્ટૂમઃ ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલા સુદાનના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓના બે કબીલાઓ વચ્ચે એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતા જ્યારે ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. બે કબીલાઓ વચ્ચે લડાઈ કયા મુદ્દે થઈ છે એની જાણ થઈ નથી, પણ સોમવારે મરણાંક પહેલીવાર સામે આવ્યો છે. આ ખૂની સંઘર્ષ વિશે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ ખૂની સંઘર્ષ બાની આમેર જનજાતિ અને નુબા જનજાતિ વચ્ચે થયો હતો. દેશની નવગઠિત સોવેરિન કાઉન્સિલે લાલ સાગર રાજ્યના ગવર્નરને આ મુદ્દે સસ્પેન્ડ કરી દીધા છે અને રાજ્યમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. આ પહેલાં પણ સુદાનમાં હિંસા ભડકી હતી જેમાં સેનાએ દેખાવકારો પર ગોળીઓ ચલાવતાં ૧૦૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. સુદાનમાં રાજકીય હાલત ખરાબ હોવાથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને બ્રિટને તેમના નાગરિકોને ખાર્ટૂમમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.