ખાર્તૂમઃ સુદાનની રાજધાની ખાર્તૂમમાં આવેલી સિલા સિલા સિરામિક ફેક્ટરીના ગેસ ટેન્કરમાં ચોથીએ વિસ્ફોટ થતાં ૨૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩૦થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. વિસ્ફોટ બાદ તે વિસ્તારમાં આકાશમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયાં હતાં. સુદાન સરકારે ઘાયલોની સારવાર માટે લોકોને વધારે સંખ્યામાં રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી અને ઘાયલો પૈકીના કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃતકાંકમાં વધારો થવાની શક્યતા દર્શાવી હતી.
સુદાનના ભારતીય દૂતાવાસે પોતાની વેબસાઈટ પર ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટની આ ઘટનામાં કેટલાક ભારતીય કારીગરો મૃત્યુ પામ્યા હોવાનો અને કેટલાક ઘાયલ થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. વિસ્ફોટ થયો તે સમયે કારખાનામાં ૫૦થી વધારે ભારતીય શ્રમિકો કામ કરતા હતા અને તે પૈકીના ૧૮ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે ઘાયલ થયેલા અન્ય ભારતીયોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.