વોશિંગ્ટનઃ માત્ર આઠ દિવસની અંતરીક્ષયાત્રાએ ગયેલાં સુનિતા વિલિયમ્સ નવ મહિનાના અંતરાલ બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યાં છે. યાનમાં ખામીના લીધે અંતરીક્ષમાં જ અટવાઇ ગયેલાં ‘ગુજરાતનાં દીકરી’ સુનિતા અને સાથી અંતરીક્ષ પ્રવાસી બુચ વિલ્મોરને લઇને આવેલાં સ્પેસએક્સનાં ‘ડ્રેગન’ સ્પેસક્રાફ્ટે બુધવારે સવારે ફ્લોરિડાના દરિયામાં લેન્ડીંગ કર્યું હતું.
વતન ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ, મંદિરોમાં પ્રાર્થના
કડી તાલુકાના ઝુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરે તે માટે ગ્રામજનો કેટલાય દિવસોથી મંદિરમાં પૂજાપ્રાર્થના કરી રહ્યા છે. ગ્રામજનોએ 108 યજ્ઞનનો સંકલ્પ કર્યો હતો, જેનો બુધવારે 72મો દિવસ હતો. સુનિતાને ગામની દીકરી ગણાવતા લોકોએ કહ્યું હતું તેમના સુરક્ષિત પરત ફરવા છતાં યજ્ઞ ચાલુ જ રહેશે, અને સંકલ્પ અનુસાર 108 યજ્ઞ પૂર્ણ કરાશે. મંગળવારે પણ ગ્રામજનોએ દોલા માતાજીની આરતી અને ધૂન કરીને સુનિતા વિલિયમ્સ સહિતના અંતરીક્ષયાત્રીઓની સુરક્ષિત ઘરવાપસી માટે પૂજા કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ અખંડ દીવો પણ પ્રગટાવ્યો હતો. ગ્રામજનોએ તેના સુરક્ષિત લેન્ડીંગ બાદ ધમાકેદાર આતશબાજી કરીને દિવાળી જેવી ઉજવણી કરી હતી.
નવ મહિના બાદ સુરક્ષિત ઘરવાપસી
ભારત જ નહીં આખી દુનિયા નવ મહિના એટલે કે લગભગ 286 દિવસથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે બુધવારે મળસ્કે આવી ગઈ. માત્ર આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં ગયેલા અંતરીક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર પરત ફર્યા છે. ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર તેમજ અન્ય બે અંતરીક્ષયાત્રીઓ સાથે આઇએસએસથી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતું. ઉલ્લેખનીય છે કે 8 દિવસ માટે મિશનની શરૂઆત કરાઈ હતી પણ તેને પૂર્ણ કરવામાં 9 મહિનાનો સમય લાગી ગયો.
8 દિવસનું મિશન, 9 માસનું રોકાણ
સુનિતા અને વિલ્મોર બોઇંગનાં સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં 5 જૂન 2024ના રોજ કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને અવકાશયાત્રી માત્ર આઠ દિવસના મિશન માટે જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતાં. પરંતુ સ્ટારલાઈનરમાં યાંત્રિક ખામી, હિલિયમના લિકેજ તથા ગતિ ધીમી પડવા જેવી મુશ્કેલીઓના કારણે આઈએસએસ પર તેમનું રોકાણ લગભગ નવ મહિના સુધી લંબાઈ ગયું હતું.
અનેકવિધ શારીરિક મુશ્કેલી
‘નાસા’એ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાં અંતરીક્ષયાત્રીઓ હવામાં તરતા જોવાનું ભલે આનંદદાયક લાગે, પરંતુ ત્યાં ગુરુત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતાં અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમને અસ્થિરતા, ચક્કર આવવા, બોલવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરીક્ષમાં રહેતા દરેક અંતરીક્ષ યાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલનચલનમાં અસ્થિરતા આવશે. તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિકીષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળક (નવજાત-શિશુ)ના પગના તળિયા જેવા કોમળ થઈ જાય છે.
હ્યુસ્ટન સ્થિત બેલર કોલેજ ઓફ મેડીસીનના તબીબો જણાવે છે કે જયારે અંતરીક્ષ યાત્રી પૃથ્વી ઉપર પાછા આવે છે ત્યારે તેમને ગુરુત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. તેને ચાલવામાં મુશ્કેલી થાય છે. તે ઉપરાંત પોતાની દૃષ્ટિ સ્થિર રાખવામાં પણ મુશ્કેલી થાય છે. ચાલવાની તો સમસ્યા હોય જ છે. પરંતુ બેઠા પછી ઊભા થવામાં પણ મુશ્કેલી અનુભવે છે. તેથી પૃથ્વી પર આવ્યા પછી અંતરીક્ષ યાત્રીને તુર્ત જ વ્હીલચેરમાં બેસાડી દેવામાં આવે છે. પરંતુ અંતરીક્ષ યાત્રીને પૃથ્વી પર પહેલા જેવું જીવન શરૂ કરવામાં કેટલાએ સપ્તાહ લાગે છે. મુશ્કેલી તો તે છે કે કાનમાં રહેલી વેસ્ટિબ્યુલર (કોચીન)માં રહેલું પ્રવાહી પ્રાણીને (માનવીને) પોતાનું શરીર સંતુલિત કરવામાં સહાયરૂપ થાય છે.
જાપાની અંતરિક્ષ એજન્સી જે. ઓ. એક્સ આ માહિતી આપતાં કહે છે કે વેસ્ટિબ્યુલર અંગોથી પ્રાપ્ત થનારી માહિતીમાં પણ બદલાવ આવે છે. તેથી મગજ ભ્રમિત થઈ જાય છે. સ્પેસ-સિકનેસ આવે છે. તો કોઈવાર ગ્રેવિટી-સિકનેસ પણ આવે છે, જેના લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે. ગુરુત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે, પરંતુ સ્પેસમાં ગુરુત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરીક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.