કરાચીઃ લઘુમતી હિન્દુ સમુદાયના સુમનકુમારી બોડાન પાકિસ્તાનમાં પોતાના સમુદાયના પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ સિંધ પ્રાંતના શાહદાદકોટના રહેવાસી ડોક્ટર પવનકુમાર બોડાનના પુત્રી છે. સુમને સિવિલ જજતરીકે ન્યાયિક મેજિસ્ટ્રેટની યાદીમાં ૫૪મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના પરિવારે આને શાનદાર ઉપલબ્ધિ ગણાવી ખુશી વ્યક્ત કરી છે. સુમનના પિતા પવનકુમારે કહ્યું હતું કે, સુમન ગરીબોને મફત કાયદાકીય મદદ કરવા ઈચ્છે છે. પાકિસ્તાનમાં હિન્દુની વસતી માંડ બે ટકા છે. જસ્ટિસ રાણા ભગવાન દાસ હિન્દુ સમુદાયમાંથી પ્રથમ જજ તરીકે નિયુક્ત થયા હતા. સુમનના પિતાએ કહ્યું હતું, સુમને આ પડકારરૂપ પ્રોફેશનની પસંદગી કરી છે, પણ મને ખાતરી છે કે તે મહેનત અને પ્રામાણિકતાથી તેમાં આગળ વધશે. સુમનને સંગીતમાં રુચિ છે અને લતા મંગેશકર અને આતિફ અસલમ જેવા ગાયકોને સાંભળવાનું પસંદ કરે છે.